Homeરાજ્યજામનગરજામનગરમાં બનાવટી દૂધના શંકાસ્પદ વેપારીઓ સામે ફૂડ વિભાગની તવાઈ - VIDEO

જામનગરમાં બનાવટી દૂધના શંકાસ્પદ વેપારીઓ સામે ફૂડ વિભાગની તવાઈ – VIDEO

ત્રણ દિવસમાં 51 નમૂના લેવાયા, 7 શંકાસ્પદ નમૂના વડોદરા લેબમાં મોકલાયા

જામનગર શહેરમાં બનાવટી અને ભેળસેળયુક્ત દૂધના વેચાણની આશંકા વચ્ચે ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. શહેરમાં દૂધની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓફિસર (FSO)ની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના જુદા-જુદા વિસ્તારોમાં દૂધના નમૂના લેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી દૂધના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં દૂધનું વેચાણ કરતા વાહનોને સ્થળ પર રોકીને દૂધની ગુણવત્તાની ચકાસણી માટે નમૂના લેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં જામનગર શહેરના સ્થાનિક દૂધ વિક્રેતાઓ ઉપરાંત બહારગામથી જામનગરમાં દૂધનો વ્યવસાય કરવા આવતા ધંધાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

છેલ્લા ત્રણ દિવસમાં ફૂડ વિભાગ દ્વારા કુલ 51 દૂધના નમૂના એકત્રિત કરીને જામનગરની પ્રયોગશાળામાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ પૈકી પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા સાત દૂધના નમૂના વધુ સઘન અને વિગતવાર તપાસ માટે વડોદરાની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. હવે આ નમૂનાઓના તપાસ અહેવાલ બાદ દૂધની ગુણવત્તા અને તેમાં ભેળસેળ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થશે. ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગની ટીમ દ્વારા કુલ 170 લીટર દૂધનો નાશ પણ કરવામાં આવ્યો હતો. દૂધનો નિકાલ કરતી વખતે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના હાઇવે વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ, હોટલ અને ધાબાઓમાં પણ દૂધની ગુણવત્તા અંગે તપાસ કરવામાં આવી હતી. બહારગામથી આવતા દૂધના જથ્થા તેમજ સ્થાનિક સ્તરે થતા દૂધના વેચાણ પર પણ તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગરમાં બનાવટી દૂધ અને દૂધમાં થતી ભેળસેળના મુદ્દે ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કામગીરીને પગલે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને શંકાસ્પદ દૂધના સાત નમૂના વડોદરા મોકલવામાં આવતા હવે પ્રયોગશાળાના અંતિમ અહેવાલ પર સૌની નજર મંડાઈ છે. દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને લોકોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત દૂધ મળી રહે તે દિશામાં ફૂડ વિભાગની આ કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular