Wednesday, November 18, 2026
Homeવિડિઓમાત્ર 700 ની વસ્તી ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધણી!...

માત્ર 700 ની વસ્તી ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધણી! – VIDEO

તંત્ર પણ ચોંકયું, કથિત કૌભાંડની તપાસ સામે સવાલો...:  આરટીઆઈમાં બહાર આવ્યો ચોંકાવનારો ખુલાસો : 170 ઘરોના ગામમાં રાજકોટ સહિત અન્ય વિસ્તારોનાં લગ્નની નોંધણી થયાનો આક્ષેપ, તલાટી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લેવાયો, તપાસ સમિતિ રચાયાના બે મહિનાથી વધુ સમય બાદ પણ અહેવાલની રાહ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાંથી લગ્ન નોંધણીને લઈને એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આશરે 700 ની વસ્તી અને માત્ર 170 જેટલાં ઘરો ધરાવતા આ ગામમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનો આરટીઆઈ હેઠળ મળેલી માહિતીમાં ખુલાસો થતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે નાની વસ્તી ધરાવતા ગામમાં આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી થવી અસામાન્ય બાબત હોવાથી લગ્ન નોંધણીની પ્રક્રિયા, રજૂ થયેલા દસ્તાવેજો અને તેની ખરાઈ અંગે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. આ પ્રકરણમાં નાગપુર ગામના તલાટી કમ મંત્રી જગદીશભાઈ ચાવડા સામે ફરિયાદી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 30 નવેમ્બર 2025 થી તા. 25 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળામાં નાગપુર ગામમાં કુલ 431 લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું આરટીઆઈના જવાબમાં સામે આવ્યું છે. આ આંકડો સામે આવતાં જ ગામની વસ્તી અને લગ્ન નોંધણીની સંખ્યા વચ્ચેનો મોટો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે. 700 ની વસ્તી ધરાવતા ગામમાં ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાં કેવી રીતે? શું આ તમામ લગ્ન ખરેખર નાગપુર ગામમાં જ થયાં હતાં? અન્ય ગામો અને જિલ્લાઓના લગ્નની નોંધણી અહીં કેવી રીતે થઈ? આવા અનેક સવાલો હવે ઊઠી રહ્યા છે. આ સમગ્ર મામલો રાજકોટ જિલ્લાના પડધરી પંથકના રહેવાસી ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી પ્રકાશમાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીની ઉંમર 18 વર્ષ અને બે મહિના થતાં ચોથા જ દિવસે લગ્ન થઈ ગયાની જાણ થઈ હતી. ત્યારબાદ પુત્રીએ પિતાનું ઘર છોડી દીધું હતું. આ પરિસ્થિતિમાં પુત્રીના લગ્નની નોંધણી ક્યાં અને કઈ રીતે કરવામાં આવી છે તેની વિગતો મેળવવા તેમણે પ્રયાસ શરૂ કર્યા હતા.

- Advertisement -

લગ્ન નોંધણી અંગે માહિતી મેળવવાની પ્રક્રિયા દરમિયાન નાગપુર ગામનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ આરટીઆઈ મારફતે વધુ વિગતો મેળવવામાં આવતાં માત્ર એક લગ્ન નહીં, પરંતુ ટૂંકા ગાળામાં ૪૩૧ લગ્ન નોંધાયાં હોવાની વિગતો બહાર આવી હતી. આ ખુલાસા બાદ ફરિયાદીએ સમગ્ર નોંધણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. ફરિયાદી ઉદયભાઈ અગ્રાવત દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમની પુત્રી નાગપુર ગામે હાજર ન હોવા છતાં તેના લગ્નનું નોંધણી પ્રમાણપત્ર સીધું ઘરે પહોંચી ગયું હતું. આ પ્રમાણપત્ર કઈ પ્રક્રિયા હેઠળ તૈયાર થયું? લગ્ન નોંધણી વખતે કયા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા? લગ્નના સ્થળ અને હાજરીની ખરાઈ કોણે કરી હતી? જેવા સવાલો ફરિયાદી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.

- Advertisement -

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયામાં તલાટી કમ મંત્રીની ભૂમિકા સામે પણ શંકા ઊભી થઈ છે. જોકે, તલાટી કમ મંત્રી સામેના આક્ષેપોની સત્તાવાર તપાસ અને જવાબદારીઓની ખરાઈ થવી હજુ બાકી છે. આ મામલે ફરિયાદી ઉદયભાઈ અગ્રાવત દ્વારા કાલાવડ તાલુકા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.) સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ અપીલની પ્રક્રિયા દરમિયાન તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જોકે, તપાસ સમિતિની રચનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તેનો અહેવાલ હજી સુધી રજૂ થયો ન હોવાની બાબત સામે આવી છે. 431 લગ્ન નોંધણી જેવો ગંભીર મુદ્દો સામે આવ્યા બાદ પણ તપાસનો અંતિમ અહેવાલ જાહેર ન થતાં વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આખરે તપાસ સમિતિએ અત્યાર સુધી શું તપાસ કરી? કયા દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી? અને અહેવાલ રજૂ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે? તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. સમગ્ર મામલો ગંભીર બનતાં સંબંધિત વહીવટી તંત્ર દ્વારા નાગપુર ગામના તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ પગલાં બાદ હવે સમગ્ર પ્રકરણમાં વહીવટી તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

નાગપુર ગામમાં થયેલી 431 લગ્ન નોંધણીનો મામલો માત્ર એક ગામ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ લગ્ન નોંધણીની સમગ્ર સરકારી વ્યવસ્થા અને તેની ચકાસણી પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. ખરેખર કેટલાં લગ્ન નાગપુર ગામમાં થયાં હતાં? કેટલાં લગ્ન અન્ય ગામો અને જિલ્લાઓનાં હતાં? નોંધણી માટે રજૂ થયેલા દસ્તાવેજો અસલ હતા કે નહીં? લગ્ન નોંધણી વખતે વર-કન્યાની હાજરી અને અન્ય જરૂરી વિગતોની ખરાઈ કરવામાં આવી હતી કે નહીં? આ તમામ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે માત્ર 700 ની વસ્તી અને 170 ઘરો ધરાવતા ગામમાં ત્રણ મહિનામાં ૪૩૧ લગ્નની નોંધણી કેવી રીતે થઈ? ફરિયાદના આધારે રચાયેલી તપાસ સમિતિનો અહેવાલ ક્યારે જાહેર થશે? જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી કોની નક્કી થશે? હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર આ ગંભીર પ્રકરણમાં કેટલી ઝડપથી અને કેટલી નિષ્પક્ષતાથી તપાસ પૂર્ણ કરી સાચું તથ્ય બહાર લાવે છે કે પછી ૪૩૧ લગ્ન નોંધણીનો આ ચોંકાવનારો મામલો ફક્ત ચર્ચા પૂરતો જ સીમિત રહી જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular