અંધારી રાત્રિ દરમિયાન આકાશમાં અચાનક લાંબો તેજસ્વી લિસોટો પસાર થતો જોવા મળે ત્યારે સામાન્ય રીતે તેને ‘તારો ખર્યો’ હોવાનું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ઘટના ઉલ્કા તરીકે ઓળખાય છે. વર્ષના અમુક ચોક્કસ દિવસો દરમિયાન આવી ઉલ્કાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, જેને ઉલ્કા વર્ષા કહેવામાં આવે છે. નવેમ્બર મહિનામાં થતી સિંહ રાશિની ઉલ્કા વર્ષા ખગોળ પ્રેમીઓ માટે આકાશી નજારો માણવાની એક વિશેષ તક પૂરી પાડે છે.
સૂર્યની પ્રદક્ષિણા કરતા ધૂમકેતુઓ પોતાની યાત્રા દરમિયાન અવકાશમાં નાના-મોટા કણો અને અવશેષો છોડતા જાય છે. આ અવશેષો ધૂમકેતુની ભ્રમણકક્ષામાં ફરતા રહે છે. જ્યારે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાંથી પસાર થતાં આવા અવશેષોના વિસ્તારમાં પ્રવેશે છે, ત્યારે ધૂમકેતુના કણો પૃથ્વીના વાતાવરણમાં ખેંચાઈ આવે છે. અંદાજે 70 કિલોમીટર પ્રતિ સેક્ધડની ઝડપે વાતાવરણમાં પ્રવેશતા આ કણો હવાના ઘર્ષણને કારણે અત્યંત ગરમ થઈ તેજસ્વી લિસોટા સ્વરૂપે ચમકે છે અને અંતે સૂક્ષ્મ રાખ બની વાતાવરણમાં ભળી જાય છે. સિંહ રાશિની આ ઉલ્કા વર્ષાનો સંબંધ ‘55-પી/ટેમ્પલ-ટટલ’ નામના ધૂમકેતુ સાથે છે. આ ધૂમકેતુએ પોતાની ભ્રમણકક્ષા દરમિયાન પાછળ છોડેલા અવશેષોમાંથી પૃથ્વી દર વર્ષે નવેમ્બર મહિનામાં પસાર થાય છે. ખાસ કરીને 14થી 20 નવેમ્બર દરમિયાન આ અવશેષો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં સિંહ રાશિની ઉલ્કા વર્ષા સર્જાય છે.ઈ ખગોળશાસ્ત્રમાં સિંહ રાશિની ઉલ્કા વર્ષા જાણીતી અને પ્રેક્ષણીય ઉલ્કા વર્ષાઓમાં સ્થાન ધરાવે છે. જોકે દર વર્ષે તેનો નજારો એકસરખો હોતો નથી. કેટલીક વખત સામાન્ય પ્રમાણમાં ઉલ્કાઓ જોવા મળે છે, જ્યારે કોઈક વર્ષે અતિ સુંદર અને નોંધપાત્ર ઉલ્કા વર્ષા જોવા મળે છે. વર્ષ 2002માં આવી અતિ સુંદર ઉલ્કા વર્ષા નિહાળવા મળી હતી. આ વર્ષે પણ 14 થી 20 નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે સિંહ રાશિમાંથી ઉલ્કાઓ ખરતી જોવા મળશે. હાલમાં મધ્યરાત્રિ બાદ સિંહ રાશિ પૂર્વ દિશાના ક્ષિતિજ પરથી ઉદય પામે છે અને વહેલી સવારે મધ્ય આકાશમાં જોવા મળે છે. તેથી 18 અને 19 નવેમ્બરની વહેલી સવારે 3થી 5 વાગ્યા દરમિયાન ઉલ્કા વર્ષા નિહાળવાનો સમય અનુકૂળ રહેશે.જોકે આ વર્ષે આકાશમાં ચંદ્રનો પ્રકાશ વધુ હોવાથી ઉલ્કા વર્ષા નિહાળવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ચંદ્રપ્રકાશને કારણે ઓછી તેજસ્વી ઉલ્કાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં. તેમ છતાં આકાશપ્રેમીઓ માટે વહેલી સવારના આ બે દિવસ અવકાશી ઘટનાનું અવલોકન કરવાની તક બની રહેશે.


