જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામથી નરમાણા તરફ જવાના માર્ગ ઉપર બેરીકેડ નીચેથી પસાર થતી બોલેરોમાં બેસેલા પ્રૌઢનું બેરીકેટમાં અથડાતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતાં નાથાભાઇ મકવાણા નામના પ્રૌઢ ગત્ તા. 04ના રોજ મોડીસાંજના સમયે શેઠવડાળા ગામથી નરમાણા ગામ તરફ જીજે10 ટીએક્સ 6760 નંબરની બોલેરો પીકઅપ વાનમાં બેસીને જતા હતા ત્યારે બોલેરોના ચાલકે બેફિકરાઇપૂર્વક તેનું વાહન ચલાવી ગાંગણપાટના પુલ પર લગાવેલ બેરીકેટ નીચેથી બોેલેરો વાન પસાર કરતાં નાથાભાઇનું માથું લોખંડના બેરીકેટમાં અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સોમવારે સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર રમેશભાઇ મકવાણા દ્વારા જાણ કરાતા પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


