કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં યુવકે તેની બહેનને ફોન કરવાની ના પાડતાં બે ભાઇઓએ યુવક અને તેના પિતાને આંતરી લાકડીઓ વડે આડેધડ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં અને ખેતી કરતાં થોભણભાઇ છગનભાઇ વરૂ નામના યુવકની બહેનને કિરીટ ઉર્ફે કારો દિલા નાંગશ નામના શખ્સે બે મહિના પહેલાં ફોન કર્યો હતો. જેથી થોભણે કિરીટને તેની બહેનને ફોન કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી કિરીટ ઉર્ફે કારો દિલા નાંગશ અને મુકેશ દિલા નાંગશ (રહે. મોટા વડાળા, તા. કાલાવડ) નામના બન્ને શખ્સોએ રવિવારે સાંજના સમયે બાઇક પર આવીને મોટા વડાળા ગામના પાટિયાથી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલા પુલિયા નજીક થોભણ અને તેના પિતા છગનભાઇ બન્નેને આંતરી લીધા હતા. ત્યારબાદ લાકડી વડે આડેધડ હુમલો કરી શરીરે ગંભીર ઇજા પહોંચાડી હતી. પિતા-પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ આર. વી. ગોહિલ તથા સ્ટાફે થોભણભાઇના નિવેદનના આધારે બે ભાઇઓ વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


