જામનગર-કાલાવડ રોડ ઉપર મોટા થાવરિયા નજીક બે એક્ટિવા અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકિટવાચાલક મહિલાનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે 6 વર્ષના બાળકને ઇજા પહોંચી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર ગઇકાલે સાંજના સમયે મોટા થાવરિયા નજીક અલિયા રોડ ઉપરથી પસાર થતાં એક્ટિવા ચાલક મહિલાના બાઇક સાથે એક્ટિવા ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાચાલક તૃપ્તિબેન વસોયા (હરિપર) નામના મહિલાનું શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે તેના છ વર્ષના પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મહિલાના મૃતદહેનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


