Thursday, November 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના આકાશમાં સર્જાઇ આતશબાજીની રંગોળી - VIDEO

જામનગરના આકાશમાં સર્જાઇ આતશબાજીની રંગોળી – VIDEO

શહેરીજનોએ ઘેર-ઘેર દીવડા પ્રગટાવી પ્રકાશના પર્વની કરી ઉજવણી : દિવાળીની સાંજે પરંપરાગત રીતે લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજન કરાયું : મંગળવારે ગુજરાતી નવા વર્ષે મંદિરોમાં દર્શન કરી વડિલોના આશીર્વાદ મેળવતા શહેરીજનો

જામનગર શહેર-જિલ્લામાં રવિવારે પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ઘરોમાં દીવડા પ્રગટાવી દીપાવલિની ઉજવણી કરી હતી. સાંજે વેપારીઓ દ્વારા પરંપરાગત રીતે ચોપડાપૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે યુવાનોથી લઇ વડીલોએ મન ભરીને ફટાકડા ફોડયા હતા. અવનવા ફટાકડાની આતશબાજીથી આકાશમાં ફટાકડાની રંગોળીનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.

- Advertisement -

જામનગર શહેર સહિત હાલાર પંથકમાં રવિવારે પ્રકાશના પર્વ દીપાવલિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ દિવાળી નિમિત્તે કરેલ રંગબેરંગી રોશનીથી રાત્રિના સમયે રહેણાંક વિસ્તારો, બજારો, દુકાનો અને વેપારી સંકુલો રોશીનથી ઝળહળી ઉઠયાં હતાં. શહેરીજનોએ ઘરના દરવાજે આસોપાલવના તોરણ લગાવ્યા હતા. સાંજના સમયે અગાસીમાં અને બારીઓમાં દીવડા પ્રગટાવ્યા હતા. તેમજ સાંજના સમયે લોકોએ પરિવારજનો સાથે પરંપરાગત રીતે લક્ષ્મીપૂજન કર્યું હતું. તો બીજીતરફ વેપારીઓ અને ધંધાર્થીઓએ પોતાની દુકાનો, પેઢીઓ, ઓફિસોમાં ચોપડાપૂજન કરી નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી અને વેપાર-ધંધામાં બરકત, પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ચોપડાપૂજન બાદ વેપારીઓ દ્વારા ફટાકડા ફોડી દીવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

દિવાળીએ શહેરમાં મોડીસાંજથી જ શહેરીજનો બહાર ફરવા માટે ઉમટી પડયા હતા. ઠેકઠેકાણે થયેલા રોશનીના શણગારના અદ્ભૂત દ્રશ્યો નિહાળ્યા હતા તેમજ અંતિમ ક્ષણોમાં ખરીદી પણ કરી હતી. જેને લઇ શહેરના અનેક માર્ગો ઉપર ટ્રાફિક જોવા મળ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે બાળકોથી લઇ યુવાનો, વડિલોએ ફટાકડા ફોડી દિવાળની ઉજવણી કરી હતી. ફટાકડાની આતશબાજીથી આકાશમાં અવનવા ફડાકડાની રંગોળી સર્જાઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રંગબેરંગી રોકેટ, જમીનચકરી, ફૂલઝર, આકાશમાં ફૂટતાં ફટાકડાઓથી સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. દિવાળી પર્વએ હોટલો, ખાણી-પીણી તથા જાહેર ફરવાના સ્થળોએ પણ ભારે ભીડ જામી હતી. શહેરના પટેલ કોલોની, ડીકેવી સર્કલ, ખોડિયાર કોલોની, સરૂ સેકશન રોડ સહિતના અનેક જાહેર માર્ગો ઉપર પણ લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડાની આતશબાજી કરી હતી.

શહેરીજનો શાંતિપૂર્વક દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ પણ સતર્ક રહી હતી અને સતત પેટ્રોલિંગ કર્યું હતું. કોઇ અનિચ્યનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. દિવાળીના પર્વને લઇ જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પરિવારજનો સાથે ફટાકડા ફોડી દીપાવલિની ઉજવણી કરી હતી. આ તકે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, પીયૂષ વાંદા સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પીઆઇ, પીએસઆઇ તેમજ પોલીસ જવાનો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

દિવાળી બાદ મંગળવારે શહેરીજનોએ નૂતન વર્ષની પણ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ગુજરાતી નવા વર્ષના પ્રથમ દિવસે લોકોએ મંદિરોમાં દર્શન કરી ઈશ્વરને પ્રાર્થના કરી હતી તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને સ્નેહીજનો તથા મિત્રવર્તૂળોમાં પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular