મોડપર ગામ નજીક ટેન્કર ચાલકે મોટર સાયકલને ઠોકરે ચઢાવતા બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજયું હતું. આ અંગે ટેન્કરચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરના જયંત કોલોની, બ્લોક નંબર 6માં રહેતાં હાર્દિકભાઇ જયેશભાઇ સામાણી તથા રાહુલ જયેશભાઇ સામાણી પોતાનું જીજે10 સીડી 1795 નંબરનું મોટરસાયકલ લઇ કાલાવડ તાલુકાના રણુજાથી જામનગર પોતાના ઘરે પરત આવી રહ્યાં હતાં. આ દરમ્યાન મોડપર ગામ નજીક પહોંચતા સામેથી આવી રહેલા જીજે03 બીવાય 1385 નંબરના ટેન્કરચાલકે પોતાનું ટેન્કર ગફલતભરી રીતે અને બેફિકરાઇથી ચલાવી ફરિયાદીના મોટરસાયકલને ઠોકર મારી હતી. અકસ્માતમાં ફરિયાદી હાર્દિકભાઇને છોલછાલની ઇજાઓ પહોંચી હતી. જ્યારે રાહુલ જયેશભાઇ સામાણીને માથાના ભાગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે જાણ થતાં હે.કો. હિતેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો હતો.
આ અંગે હાર્દિકભાઇ સામાણી દ્વારા જીજે03 બીવાય 1385 નંબરના ટેન્કરચાલક સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


