Thursday, November 12, 2026
Homeરાજ્યજામનગરદિવાળીના પર્વે રંગોળીના રંગોમાં ખીલી ભક્તિ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા

દિવાળીના પર્વે રંગોળીના રંગોમાં ખીલી ભક્તિ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા

જામનગરમાં કલાકારોએ અવનવી રંગોળીઓ થકી આંગણાં અને સંસ્થાઓને આપ્યો આકર્ષક શણગાર

દિવાળી એટલે પ્રકાશ, આનંદ, ઉત્સાહ અને આસ્થાનો પર્વ. દીવડાંની ઝળહળાટ, ફટાકડાની રોશની, મીઠાઈની મીઠાશ અને રંગબેરંગી રંગોળીઓ દિવાળીના ઉત્સવને વધુ રળિયામણો બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં રંગોળીનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ છે. દિવાળીના પાવન અવસરે ઘરના આંગણાથી લઈને દુકાનો, વેપારી પેઢીઓ, કોર્પોરેટ કચેરીઓ અને સામાજિક સંસ્થાઓ સુધી રંગોળી દ્વારા શણગાર કરવામાં આવે છે. રંગોળીના વિવિધ રંગો અને આકર્ષક આકૃતિઓ શુભતા, સમૃદ્ધિ, આનંદ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

- Advertisement -

જામનગરમાં પણ દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષના પર્વ નિમિત્તે વિવિધ કલાકારોએ પોતાની કલાત્મક આવડત અને સર્જનાત્મકતાના રંગો પાથરીને અવનવી રંગોળીઓ તૈયાર કરી હતી. ક્યાંક ધાર્મિક આકૃતિઓ તો ક્યાંક આકર્ષક ડિઝાઇન અને રંગોના સંયોજન દ્વારા દિવાળીના પર્વની ખુશીને રંગોળીમાં કંડારવામાં આવી હતી.

દિવાળીના અવસરે પૂજા અને ધીમહી સચિન માંકડએ રંગોળીના માધ્યમથી ભગવાન શ્રીરામ અને તેમના પરમ ભક્ત હનુમાનજીનું સુંદર અને ભાવસભર ચિત્રણ રજૂ કર્યું હતું. ધનુષ્યધારી પ્રભુ શ્રી રામ અને તેમની ભક્તિમાં સમર્પિત હનુમાનજીની આકૃતિ દ્વારા રામભક્તિ, શક્તિ, સમર્પણ, સાહસ અને અતૂટ શ્રદ્ધાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રંગોના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને જીવંત રાખવાનો આ સુંદર પ્રયાસ રહ્યો હતો. નવા વર્ષના પ્રારંભે રામભક્તિ અને હનુમાનજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનો આ રંગોળીમાં અનોખો સંગમ જોવા મળ્યો હતો.
જામનગરના રણજીતનગર પટેલ સમાજ રોડ પર આવેલા માય નેસ્ટ ખાતે હિમાની આદિત્ય પટેલ દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી હતી. પાંચ બાય ત્રણ ફૂટની આ રંગોળી તૈયાર કરવામાં અંદાજે 12થી 15 કલાક જેટલો સમય લાગ્યો હતો. રંગોળીમાં આશરે 15 જેટલા વિવિધ રંગોનો ઉપયોગ કરીને રંગોનું સુંદર સંયોજન કરવામાં આવ્યું હતું. કલાકોની મહેનત, ધીરજ અને કલાત્મક કારીગરીના પરિણામે તૈયાર થયેલી આ રંગોળી નિહાળનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વિજરખી અને ઠેબા વચ્ચે આવેલી તપોવન ફાઉન્ડેશન સંસ્થામાં પણ દિવાળીના પર્વને અનુલક્ષીને વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇનથી રંગોળી દ્વારા સજાવટ કરવામાં આવી હતી. સંસ્થાના પરિસરમાં રંગોળીના રંગો થકી દિવાળીના ઉત્સવની ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આમ, દિવાળીના પર્વે જામનગરમાં વિવિધ સ્થળોએ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીઓએ ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. દીવડાંના પ્રકાશ સાથે રંગોળીના રંગોએ પણ દિવાળીના પર્વને વધુ મનમોહક બનાવ્યો હતો. પરંપરા સાથે કલા અને ભક્તિનો સમન્વય સાધતી આવી રંગોળીઓ માત્ર આંગણાની શોભા જ નથી વધારતી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને તહેવારો સાથે જોડાયેલી લાગણીઓને પણ સુંદર રીતે વ્યક્ત કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular