દિવાળીના પર્વની ઉજવણીનો પ્રારંભ થતાં જ જગવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ઉત્સવમય માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના જગતમંદિરને આકર્ષક રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે વિવિધ રંગોની રોશનીથી ઝળહળતું જગતમંદિર દૂરથી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂરના વિસ્તારોમાંથી પણ મંદિરની ભવ્ય રોશની નિહાળી શકાય છે.
દિવાળીના દિવસોમાં દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિકો મંદિરની આ મનમોહક સજાવટ નિહાળીને આનંદ અને ભક્તિભાવમાં તરબોળ થઈ રહ્યા છે. જગતમંદિર ઉપરાંત તેની આસપાસનાં મંદિરો, શહેરનાં ધાર્મિક સ્થળો અને મુખ્ય વિસ્તારોમાં પણ સ્થાનિકો દ્વારા રોશનીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હોટલ અને ગેસ્ટહાઉસોને પણ રંગબેરંગી લાઈટ્સથી શણગારવામાં આવ્યા છે.
દિવાળીના મીની વેકેશન અને નવા વર્ષની રજાઓ દરમિયાન દ્વારકા સહિત સમગ્ર ઓખામંડળમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહેવાની શક્યતા છે. યાત્રાધામની હોટલ અને ગેસ્ટહાઉસોમાં નવા વર્ષના સમયગાળા માટે અત્યારથી જ મોટા પ્રમાણમાં બુકિંગ થઈ ચૂક્યાં છે. રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર થતાં આશરે પખવાડિયા સુધી દ્વારકામાં યાત્રિકો અને સહેલાણીઓની અવરજવર સતત વધશે. દ્વારકાની સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ, હર્ષદ-ગાંધવી અને ગોપી તળાવ સહિતનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જોવા મળશે. આ વર્ષે સુદર્શન સેતુ પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યો છે.
સુદર્શન સેતુના કારણે બેટ દ્વારકાની અવરજવર સરળ બની હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં મુલાકાત લેશે તેવી સંભાવના છે. બીજી તરફ શિયાળાની શરૂઆત સાથે શિવરાજપુર બીચ પર સ્કૂબા ડાઇવિંગ અને બેટ દ્વારકામાં ડોલ્ફિન નિહાળવાની પ્રવૃત્તિઓ પણ પ્રવાસીઓને આકર્ષશે. પ્રવાસીઓની સંભવિત ભીડને પગલે સ્થાનિક વેપારીઓ અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં પણ સારા વેપારની આશા જાગી છે.
દ્વારકાના જગતમંદિરમાં દિવાળીના પર્વ નિમિત્તે આવતીકાલે ધનતેરસની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના દિવસે ધન્વંતરિ દેવની પૂજા સાથે ધનપૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી મંદિરમાં પણ વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશને લીલા રંગના વાઘા ધારણ કરાવવામાં આવશે. મંદિરના વારાદાર પૂજારીઓની પરંપરા મુજબ ધનતેરસના દિવસે લીલા રંગને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હોવાથી ઠાકોરજીને ધરાવવામાં આવતા ભોગમાં પણ લીલા રંગની વિવિધ વાનગીઓનો સમાવેશ થશે. આ ઉપરાંત ભગવાનનો વિશિષ્ટ શૃંગાર અને મનોરથ પણ યોજાશે. આ દિવ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકો મંદિર ખાતે લઈ શકશે, જ્યારે ઓનલાઈન માધ્યમથી પણ દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તો ઠાકોરજીનાં દર્શન કરી શકશે.


