જામનગર જિલ્લાના જાખર ગામના પાટિયા પાસેથી પસાર થતી સ્વિફ્ટ કારને મેઘપર પોલીસે આંતરીને તલાશી લેતાં તેમાંથી 216 બોટલ દારૂ મળી આવતાં પોલીસે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી. જામનગરના નાગનાથ ગેઇટ પાસે કોમ્પલેકસમાંથી 35 બોટલ દારૂ સાથે બે શખ્સોને તેમજ ગ્રેઇન માર્કેટ પાસેથી દારૂની બોટલ અને ચપલા સાથે બે શખ્સોને તથા શાંતિનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલો અને બિયરના ટીન સિટી ‘બી’ ડિવિઝન પોલીસે કબ્જે કરી શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના જાખર ગામના પાટિયા પાસેથી ગામ તરફ જતી જીજે37 બી 7470 નંબરની સ્વિફ્ટ કારને પીઆઇ એ. એલ. બારસિયા, પીએસઆઇ એમ. એચ. મહેતા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, જયરાજસિંહ ઝાલા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.કો. વિક્રમસિંહ જાડેજા, કિરણભાઇ આયડી, મહાવીરસિંહ વાઘેલા, સલીમભાઇ મલેક, મહેશભાઇ જોગલ, કુલદીપસિંહ પરમાર સહિતના સ્ટાફે આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 1,05,816ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 216 બોટલ મળી આવતાં પોલીસે મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેર (ઉ.વ.21, રહે. જામનગર) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના થાનગઢના કેતન વીરજી પરમાર પાસેથી લઇને લાલપુર તાલુકાના સિંગચ ગામના ઇશ્ર્વરસિંહ સદુભા વાઢેરને પહોંચાડવા જતો હોવાની કેફિયતના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરના નાગનાથ ગેઇટ પાસે આવેલા માઇલ સ્ટોન કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન સમીર ઉર્ફે ખાન મુખ્તાક ખાન અને ભરત ઉર્ફે ભરત શૈલેષ ગોસ્વામી નામના બે શખ્સોની તલાશી લેતાં તેની પાસેથી રૂા. 30,500ની કિંમતની 35 બોટલ દારૂ, રૂા. એક લાખનું બાઇક મળી કુલ રૂા. 1,30,500ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગર શહેરના ગે્રઇન માર્કેટ, ત્રણ દરવાજા પાસેથી પસાર થતાં અમિત ઉર્ફે કોટન હિતેષ પારજિયા (ઉ.વ.24) અને હિતેષ ઉર્ફે ટીડો કિશોર રોડિયા નામના બે શખ્સોને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 6 હજારની કિંમતની પાંચ બોટલ દારૂ અને રૂા. 7200ની કિંમતના 24 નંગ ચપલા મળી કુલ રૂા. 13,200ના મુદામાલ સાથે બન્નેને ઝડપી લીધા હતા. ચોથો દરોડો જામનગર શહેરના શાંતિનગર, શેરી નંબર સાતના છેડે રહેતાં પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના મકાનમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે તલાશી લેતાં રૂા. 7712ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 12 બોટલ અને રૂા. 2500ની કિંમતના બિયરના 20 ટીન મળી આવતાં પોલીસે રૂા. 10,212ની કિંમતનો દારૂ અને બિયર કબ્જે કરી પૃથ્વીરાજસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


