અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે જામનગરમાં ખોડલધામ સમિતિ દ્વારા એકતા રેલી આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના પ્રખર ઉત્સાહ સાથે યોજાયેલી આ રેલીમાં ૪૦૦થી વધુ કાર અને બાઈકના વિશાળ કાફલા સાથે ૧૦૦૦થી વધુ અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા.
રણજીતસાગર રોડ પર આવેલા ખોડલધામ કાર્યાલય ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીને લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ખોડલધામના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનરો તેમજ સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ખોડલધામ કાર્યાલયથી શરૂ થયેલી આ એકતા રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. માર્ગમાં મયુર ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાં શહેરીજનો દ્વારા પુષ્પવર્ષા કરીને રેલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ રેલી રણજીતનગર પટેલ સમાજ ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરદાર પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર રૂટ દરમિયાન “સરદાર પટેલ અમર રહો” અને “ભારત માતા કી જય”ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.


