ભારતના લોખંડી પુરુષ અને દેશની એકતા તથા અખંડિતતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ એકતા દોડમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
‘રન ફોર યુનિટી’ રેલીનો પ્રારંભ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી કરવામાં આવ્યો હતો. રેલી સંતોષી માતાના મંદિર થઈ સાત રસ્તા સર્કલ સુધી પહોંચી હતી. ત્યારબાદ રેલી પરત સંતોષી માતાના મંદિર થઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સહભાગીઓએ એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. તેમની દૃઢ ઇચ્છાશક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાના આશયથી દર વર્ષે તેમની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
View this post on Instagram
જામનગરમાં આયોજિત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ થકી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.
રેલીનું પ્રસ્થાન મેયર મોનિકાબેન વ્યાસે કરાવ્યું હતું. રેલીમાં ધારાસભ્યો સર્વરાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, જામનગરના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી સહિતના મહાનુભાવો તેમજ પોલીસ વિભાગના જવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત નગરજનો સહભાગી થયા હતા.


