‘યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ’ (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ 2026નું વનતારા દ્વારા 26થી 29 ઓક્ટોબર દરમિયાન આયોજન કરાયું છે. જેમાં 30 દેશની 98 સંસ્થાઓ અને ભારતની 29 ઝૂઓલોજિકલ સંસ્થાના અગ્રણીઓ, પશુચિકિત્સકો (વેટરનરી ડોક્ટર્સ), વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો એક મંચ પર એકત્રિત થયા છે. “વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીના સુદ્રઢીકરણ” થીમ આધારિત આ કોન્ફરન્સમાં સીમાડાઓને વિસરાવીને સંકલિત પગલાંને પ્રોત્સાહિત કરવા માટે સહિયારા જ્ઞાન અને ડેટા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરાઈ હતી. ત્યારબાદ EARAZA ના પ્રમુખ સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના પ્રો. રમણ સુકુમાર, તેમજ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ ડો. વી. ક્લેમેન્ટ બેન દ્વારા પરંપરાગત દીપપ્રાગટ્ય કરાયું હતું. યજમાનપદેથી પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિવાન કરાણીએ જાહેરાત કરી હતી કે, તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે “ANTZ” સોફ્ટવેર પ્લેટફોર્મ’ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. ‘ANTZ’ એ ઝુઓલોજિકલ સંસ્થાઓના વ્યવસ્થાપન માટેનું એક સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ છે, જેનું ’ઓપન ડેટા એક્સચેન્જ’ સભ્યોને પારસ્પરિક માહિતીની આપ-લેની સુવિધા પૂરી પાડે છે.

“વનતારાનો અર્થ થાય છે ‘વનનો તારો’. પરંતુ એક જ તારો સમગ્ર આકાશને પ્રકાશિત કરી શકતો નથી. તેના માટે સમગ્ર નક્ષત્રમંડળની જરૂર પડે છે. અમે અહીં માત્ર અમે જે નિર્માણ કર્યું છે તેની માહિતી આપવા માટે નથી ઉપસ્થિત રહ્યા. અમે તમારી પાસેથી શીખવા, તમારી સાથે સહયોગ સાધવા અને તમારા કામને ટેકો આપવા આવ્યા છીએ, કારણ કે જ્યારે કોઈ એક સંસ્થા પ્રગતિ કરે છે, ત્યારે બીજા માટે પણ તેની સાથે પ્રગતિ કરવાની તકો ઊભી થવી જોઈએ.” – વિવાન કરાણી, CEO, વનતારા

“આજના સમયમાં વન્યજીવ સંરક્ષણ રાષ્ટ્રીય સરહદો સુધી સીમિત રહી શકે નહીં. જ્યારે સંસ્થાઓ ડેટા, નિપૂણતા અને જવાબદારીઓની વહેંચણી કરે છે, ત્યારે દરેક પ્રોજેક્ટ વધુ મજબૂત બને છે. આ પરિષદ આપણું નેટવર્ક એક વાસ્તવિક અને સુદ્રઢ ભાગીદારીમાં પરિવર્તિત કરવા માટેનો પ્રયાસ છે. – સ્વેત્લાના અકુલોવા, પ્રમુખ, EARAZA
“હાથીઓએ મને શીખવ્યું છે કે, સંરક્ષણ એ એક લાંબી સફર છે, જે ધીરજપૂર્વકના વિજ્ઞાન, આપણે જે શીખ્યા છીએ તેની અન્યો સાથે વહેંચણી કરવાની તત્પરતા અને બદલાતા સંજોગો અનુસાર આપણી કાર્યપદ્ધતિને અનુકૂળ બનાવવાના અભિગમથી સંચાલિત થાય છે. ભારતમાં, કે જ્યાં વિશ્વના સૌથી વધુ એશિયાઈ હાથીઓ વસે છે, વૈશ્વિક સમુદાયને આ જ ઉદ્દેશ સાથે એકત્ર થયેલો જોવો એ અત્યંત પ્રોત્સાહક છે.” – પ્રો. રમણ સુકુમાર, એશિયાઈ હાથી ઈકોલોજિસ્ટ અને માનદ પ્રાદ્યાપક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ
“ઝુઓલોજિકલ સંસ્થાઓ સંરક્ષણ, સંશોધન અને જાહેર જાગૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રકારના મેળાવડા પ્રાણી કલ્યાણના ધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવામાં અને વિવિધ પ્રદેશો વચ્ચે સહકારને મજબૂત બનાવવામાં સહાયરૂપ થાય છે.” – ડો. વી. ક્લેમેન્ટ બેન, સભ્ય સચિવ, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય
પરિષદની મુખ્ય ફળશ્રુતિઓ
આ કાર્યક્રમ આધુનિક વન્યજીવ સંરક્ષણના નકશા સમાન પ્રતીત થાય છે. રશિયાના દૂર-દૂરના જંગલોથી લઈને આકિર્ટકના બરફ સુધી, વિવિધ પ્રજાતિઓના સંયોજકો અમુર વાઘ, ઓરિએન્ટલ સ્ટોર્ક, બ્લેકિસ્ટન્સ ઇગલ-આઉલ અને ગ્રેટ બસ્ટાર્ડ માટેના સરહદપારના કાર્યક્રમોની ચર્ચા કરી રહ્યા છે. સાથે જ બોઇગા સાપ અને લાંબા કાનવાળા હેજહોગના પુન:સ્થાપન (રીઇન્ટ્રોડક્શન) માટેના બહુ ઓછા જાણીતા પ્રયાસો વિશે પણ સંયુક્ત મનોમંથન ચાલી રહ્યું છે. અકુલોવાએ જૈવવિવિધતા સંરક્ષણ માટે ગ્લોબલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિઝન રજૂ કર્યું છે, જેથી કોઈ એક સંસ્થાના તારણો અને સંશોધનો અન્યોના નિર્ણયોને માર્ગદર્શિત કરી શકે.

આ સંવાદ માત્ર ચોક્કસ પ્રજાતિઓ પૂરતો સીમિત નથી. આ કોન્ફરન્સની પેનલ્સમાં એ બાબતોનું પણ મૂલ્યાંકન કરાઈ રહ્યું છે કે દરેક પ્રાણીના સંવર્ધન પરિણામોના આધારે તેમના કલ્યાણના પ્રયાસોને કેવી રીતે માપી શકાય, સંભાળ કેન્દ્રોમાં કટોકટી અને કુદરતી આફતોના સમયે કેવી રીતે સજ્જ રહેવું, તેમજ વિવિધ પ્રદેશોમાં વેટરનરી ક્ષમતાનું નિર્માણ કેવી રીતે કરવું. એશિયાના ’એલિફન્ટ ડોક્ટર’ તરીકે જાણીતા પદ્મડો. કે. કે. શર્મા માનવ-વન્યજીવ સંઘર્ષ પર ફિલ્ડ અનુભવો શેર કરી રહ્યા છે; મોસ્કો ઝૂના ચીફ વેટરનરી ઓફિસરે સબ-આર્ક્ટિક વિષમ પરિસ્થિતિઓમાં ધ્રુવીય રીંછ (પોલાર બેયર)ની સંરક્ષણ કામગીરીના સંસ્મરણો રજૂ કર્યા; અને વન્યજીવ જીવવિજ્ઞાની તથા ટેલિવિઝન પ્રેઝન્ટર ફોરેસ્ટ ગાલાન્ટે માસ મીડિયા દ્વારા સંરક્ષણ સંદેશાને વિશાળ જનસમુદાય સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેની શક્યતાઓ તપાસી હતી. શહેરી જૈવવિવિધતા, સિટીઝન સાયન્સ, 21મી સદીનો મુલાકાતી અનુભવ, વન્યજીવ નિદાન અને પોષણ પરના સેશન્સ લેબોરેટરી, ફિલ્ડ અને સામાન્ય જનતાને એકબીજા સાથે જોડે છે. આ ઉપરાંત, EARAZA ના સભ્યો આગામી વર્ષ માટે એસોસિએશનની નીતિ અને દિશા નિર્ધારિત કરવા મતદાન સત્ર માટે પણ એકત્ર થશે.

નિખાલસ સંવાદ માટેનો વિશેષ મંચ
મુખ્ય મંચ ઉપરાંત, ઇન્ટરેક્ટિવ કોર્નર્સ પ્રતિનિધિઓને મુક્તપણે પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કરે છે: ધ એલિફન્ટ ઇન ધ રૂમ (વિડિયો બૂથ) ખાતે નિષ્ણાતો એવા સંવેદનશીલ પ્રશ્નોના જવાબો રેકોર્ડ કરી રહ્યા છે જે સામાન્ય રીતે આ ક્ષેત્રમાં ખુલ્લેઆમ પૂછાતા નથી; જેમ કે – “શું 50 વર્ષ પછી પ્રાણીસંગ્રહાલયો અસ્તિત્વમાં હશે?” અથવા “શું સંપૂર્ણ પારદર્શિતા વિશ્વાસ ઊભો કરશે કે તોડશે?” જેના દ્વારા વિચારોનું એક જીવંત વૈશ્વિક પુસ્તકાલય તૈયાર થઈ રહ્યું છે. ધ સોલ્યુશન સ્ટેશન દ્વારા પ્રતિનિધિઓ રેસ્ક્યુ, જીનેટિક્સ, બાયોસિક્યોરિટી અને પશુ કલ્યાણ જેવા વિવિધ ક્ષેત્રોને લગતી વાસ્તવિક સમસ્યાઓ અહીં રજૂ કરીને નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવી શકે છે. ઇનોવેશન ઇન એક્શન સંસ્થાઓ દ્વારા અમલમાં મુકાયેલા અને સકારાત્મક પરિણામ લાવનારા નાવિન્યપૂર્ણ ઉકેલો શેર કરવા માટેનો એક મંચ છે.
પ્રદર્શન ક્ષેત્ર
આ સેશન્સની સાથે-સાથે પ્રદર્શન વિસ્તારમાં સાત દેશોના 13 પ્રદર્શકો “શોધો. જોડાવો. સંશોધન કરો.” સૂત્ર હેઠળ એકત્ર થયા છે. જેમાં પ્રતિનિધિઓ કાર્લ સ્ટોર્ઝની એન્ડોસ્કોપી અને મિનિમલી ઇન્વેસિવ વેટરનરી ટેકનોલોજીથી માંડીને, આઈડેક્સ (IDEXX)ના અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ, ઇન્વેન્ટા સિસ્ટમ્સના જીનોમિક્સ અને મોલેક્યુલર સાધનો, સિગટ્યુપલની AI-આધારિત ઓટોમેટેડ માઇક્રોસ્કોપી, આઈએમવી ઇમેજિંગ દ્વારા બ્રીડિંગ માટેના આસિસ્ટેડ રિપ્રોડક્શન સોલ્યુશન્સ, ગ્રુમબેકની પક્ષીઓના ઇંડા સેવવા માટેની ઇન્ક્યુબેશન સિસ્ટમ્સ અને ડેનઇન્જેક્ટની રિમોટ ડ્રગ-ડિલિવરી સિસ્ટમ્સ સુધીના વિવિધ અત્યાધુનિક સાધનો નિહાળી શકે છે. આ સાથે ‘ટ્રાઇબ્સ ઇન્ડિયા’ દ્વારા પરંપરાગત આદિવાસી કળા, વસ્ત્રો અને હસ્તકળાના પ્રદર્શન દ્વારા સાંસ્કૃતિક રંગ ઉમેરવામાં આવ્યો છે.
યજમાન પેવેલિયન્સમાં વન્યજીવ સંભાળ ક્ષેત્રે નવિનતા, પોષણ, સ્થાપત્ય અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, સાથે જ વનતારાના જીવનનો વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અનુભવ પણ રજૂ કરાયો છે. ANTZ પ્લેટફોર્મના નવા ટૂલ્સ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે: વેસ્પર (Vespr): એક એજ-AI બાયોએકોસ્ટિક મોનિટર, જે સીધા ડિવાઇસ પર જ પશુ-પક્ષીઓની પ્રજાતિઓની ઓળખ કરે છે, સ્માર્ટ એગ એનાલિસિસ: એક જ સ્ક્રીન પર ઇંડાનું માપ લેવા, કેન્ડલિંગ કરવા અને ધબકારા તપાસવાની સુવિધા આપતી ટેકનોલોજી, અને બેલ્ટ-વોર્ન NFC ડિવાઇસ: સંભાળ રાખનારા સ્ટાફ માટે કમરપટ્ટા પર પહેરી શકાય તેવું ઉપકરણ, જેના દ્વારા માત્ર એક ટેપ કરવાથી પ્રાણીઓની સંભાળના રાઉન્ડ્સની નોંધ (Log) રાખી શકાય છે.
જીવનભરની સેવાનું સન્માન
આ કોન્ફરન્સમાં ‘ઇન્ડિયન ઝુ યર બુક’, વોલ્યુમ 11, 2026નું વિમોચન પણ કરાયું છે. 29 ઓક્ટોબરના રોજ સમાપન સમારોહમાં વનતારા દ્વારા છ મહાનુભાવોને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ એનાયત કરાશે, જેમાં સુસ્વેત્લાના અકુલોવા: જનરલ ડિરેક્ટર, મોસ્કો ઝૂ અને પ્રમુખ, EARAZA, રેને ફ્રેનેક: સ્થાપક અને ડિરેક્ટર, ક્લેબી ઝૂ (ચેક રિપબ્લિક) – જેમના સફળ સંવર્ધન પ્રયાસોમાં દેશના પ્રથમ રેડ-શેન્ક્ડ ડૂક લંગૂર અને ગેંડા હોર્નબિલ, અઝેર હુસેનોવ: ડિરેક્ટર, બાકુ ઝૂઓલોજિકલ પાર્ક અને ઉપપ્રમુખ, ઊઅછઅણઅ, ઉપરાંત ભારતમાંથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના સ્થાપક સભ્ય સચિવ એસ. સી. શર્મા, તેમજ પૂર્વ ઈણઅ સભ્ય સચિવો ડો. ડી. એન. સિંહ અને બી. એસ. બોનાલનો સમાવેશ થાય છે. જ્યારે સાંજે 2027ના યજમાનને EARAZA નો ધ્વજ સોંપવાની ઔપચારિક વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થશે. આના પગલે જામનગરમાં સધાયેલી આ વૈશ્વિક ભાગીદારીને વન્યજીવ સંરક્ષણના નવા અધ્યાય તરફ આગળ ધપાવશે.


