જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા અંધાશ્રમ ફાટક નજીક આવેલ આંગણવાડીની આકસ્મીક મુલાકાત લીધી હતી. અને તેમણે આશાવર્કર બહેનો તેમજ વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. તેમજ આંગણવાડીની સુવિધા સહિતની બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીઆ સહિતના અધિકારીઓ દ્વારા જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક નજીક આવેલા 1404 આવાસ પાસેની આંગણવાડીની આકસ્મીક મુલાકાત લેવામાં આવી હતી. આ સરપ્રાઇઝ મુલાકાત દરમિયાન કમિશ્નરે આંગણવાડીમાં બાળકોને મળતી સુવિધાઓ, તેમના આરોગ્ય અને પોષણની સ્થિતી સહિતની વિવિધ બાબતો અંગે માહિતી મેળવી હતી. તેમજ સરકારમાંથી બાળકોને મળતી પોષણ કીટ સહિતની બાબતો અંગે પણ માહિતી મેળવી હતી.
View this post on Instagram
મુલાકાત દરમિયાન કમિશ્નરે આશાવર્કર બહેનો અને આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓ સાથે પણ સવાંદ કર્યો હતો. તેમજ વાલીઓ પાસેથી સુચનો પણ મેળવ્યા હતાં. તથા આંગણવાડીના માઘ્યમથી બાળકોને મળતી સુવિધાઓનો પુરતો લાભ મળી રહે તે દિશામાં પણ માહિતી મેળવી હતી. આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ રાખવા સહિતની બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કમિશ્નરની આ મુલાકાત દરમિયાન વિસ્તારના રહેવાસીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા વિસ્તારમાં કચરાથી ખદબદતી કેનાલ સહિતની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. રહેવાસીઓ દ્વારા સમસ્યા દૂર કરવા માંગણી કરવામાં આવી હતી.


