જામનગરમાં નવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન પરંપરાગત રાસ-ગરબાની આગવી ઓળખ જાળવી રાખતાં જય શ્રી આશાપુરા ગરબી મંડળનું વિશિષ્ટ સ્થાન છે. વર્ષ 1938માં સ્થાપના પામેલું આ મંડળ છેલ્લા 88 વર્ષથી ગરબી અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યું છે. વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા આ મંડળ ન્યુ જેલ રોડ રાજપૂતપરા કુંવરબાઈ ધર્મશાળાની સામેની શેરીમાં વર્ષોની અનેક પરંપરાગત રાસ રજૂ કરવામાં આવે છે, પરંતુ તેમાં અંઠીગા રાસ તેની અનોખી શૈલી, તાલબદ્ધતા અને સમૂહની એકતાને કારણે વિશેષ આકર્ષણ ધરાવે છે.
જય શ્રી આશાપુરા ગરબી મંડળમાં રજૂ થતો અંઠીગા રાસ તેની આગવી રજૂઆતને કારણે અલગ ઓળખ ધરાવે છે. ભગવાન દ્વારકાધીશ અને કાન-ગોપીઓની પરંપરા સાથે જોડાયેલા આ રાસમાં એકસાથે રમતા સમગ્ર ગ્રુપની તાલબદ્ધતા મુખ્ય વિશેષતા છે.
અંઠીગા રાસની સૌથી મોટી ખાસિયત એ છે કે આખું ગ્રુપ એક જ તાલે, એક જ લયમાં અને એકસાથે રાસ રમે છે. દરેક સભ્યનાં પગલાં, હિલચાલ અને રાસની ગતિ વચ્ચે એવું સુંદર સંકલન જોવા મળે છે કે સમગ્ર સમૂહ એકસાથે એક જ લયમાં આગળ વધતો હોય તેવી અનુભૂતિ થાય છે. આ રાસમાં માત્ર વ્યક્તિગત કળા જ નહીં, પરંતુ સમગ્ર ગ્રુપ વચ્ચેનું પરસ્પર સંકલન, તાલની સમજ અને એકબીજાની હિલચાલ સાથે તાલ મિલાવવાની ક્ષમતા પણ મહત્ત્વ ધરાવે છે. દરેક સભ્યએ એકસરખો તાલ જાળવી રાખવાનો હોય છે, જેના કારણે અંઠીગા રાસની રજૂઆતમાં એકાગ્રતા અને સતત અભ્યાસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બને છે.
View this post on Instagram
રાસની એકસરખી લય અને આખા સમૂહની એકસાથે થતી હિલચાલ દર્શકોનું ધ્યાન ખેંચે છે. પરંપરાગત રાસની આ શૈલીમાં ભક્તિભાવ સાથે લોકસંસ્કૃતિની સુંદર અભિવ્યક્તિ જોવા મળે છે.
જય શ્રી આશાપુરા ગરબી મંડળની સ્થાપના વર્ષ 1938માં થઈ હતી. ત્યારથી મંડળ દ્વારા નવરાત્રી દરમિયાન ગરબી અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ લાંબી પરંપરા જામનગરની લોકસંસ્કૃતિ અને પરંપરાગત રાસ-ગરબાની સમૃદ્ધિનો પરિચય કરાવે છે.
મંડળમાં અંઠીગા રાસ ઉપરાંત અન્ય પરંપરાગત રાસની પણ રજૂઆત કરવામાં આવે છે. જામસાહેબ દ્વારા આપવામાં આવેલી તલવારો સાથે યુવાનો દ્વારા તલવાર રાસ પણ રજૂ કરવામાં આવે છે. જોકે, અંઠીગા રાસની એકસાથે અને એક જ તાલે રમવાની વિશિષ્ટ શૈલી મંડળની રજૂઆતને આગવું આકર્ષણ આપે છે. નવરાત્રી માત્ર માતાજીની આરાધનાનો પર્વ નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કલાને ઉજાગર કરવાનો અવસર પણ છે. જય શ્રી આશાપુરા ગરબી મંડળ છેલ્લા 88 વર્ષથી આ પરંપરાને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપી રહ્યું છે.
અંઠીગા રાસમાં એકસાથે રમતા ખેલૈયાઓની તાલબદ્ધ હિલચાલ, એકસરખી લય અને સમૂહની એકતા પરંપરાગત રાસની સુંદરતા દર્શાવે છે. વર્ષો જૂની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખતી આ રજૂઆત જામનગરની ગરબી પરંપરામાં એક આગવું સ્થાન ધરાવે છે.


