જામનગર શહેરના રામેશ્વરનગરમાં સમાધાન માટે બોલાવી ચાર શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં આશાપુરા માતાજીના મંદિર પાછળ મચ્છરનગરમાં રહેતો સમીરભાઈ ઈસાકભાઈ રૂંઝા (ઉ.વ.20) નામનો યુવક ગુરૂવારની મધ્યરાત્રિના સમયે તેના ઘરે સુતો હતો ત્યારે પુષ્પરાજ ઉર્ફે બાપુડી નામના શખ્સે સમીરને ફોન કરી સમાધાન માટે રામેશ્વરનગરમાં વિકાસ ગૃહ સ્કૂલ પાસે બોલાવ્યો હતો ત્યાં પુષ્પરાજસિંહ ઉર્ફે બાપુડી, પાર્થરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ ઉર્ફે હદીયો, ધુલો નામના ચાર શખ્સોએ સવારની બોલાચાલીનું સમાધાન કરવું છે કે કેમ ? તેમ કહી સમીરને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તે દરમિયાન એક શખ્સે છરીનો ઘા ઝીંકતા સમીરને હાથમાં ઈજા પહોંચી હતી. તેમજ પતાવી દેવાના ઈરાદે હાથના ખભ્ભામાં ગંભીર ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલા બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે સમીરના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


