જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં સફાઈકર્મીની પત્નીએ રાજકોટ નહીં આવ તો છૂટાછેડા આપી દઈશ તેમ જણાવતા યુવાને મનમાં લાગી આવતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા વિમલપાર્ક સોસાયટીમાં રહેતાં અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા પ્રવિણ દેવશીભાઈ બારૈયા (ઉ.વ.27) નામના યુવાનના લગ્ન બે વર્ષ પહેલાં કસકબેન સાથે થયા હતાં. દરમિયાન યુવાનની પત્ની રક્ષાબંધનમાં તેના માવતરે ગઈ હતી ત્યારથી સાસરે પરત આવી ન હતી. જેથી પ્રવિણ અવાર-નવાર તેની પત્ની કસકબેન સાથે ફોનમાં વાતચીત દરમિયાન સાસરે આવવાનું કહેતો હતો પરંતુ, તેની પત્ની કસકબેન રાજકોટ રહેવા આવી જવા માટે જણાવતી હતી. પરંતુ, પ્રવિણ ભૂગર્ભ ગટરની સફાઈ કરતો હોવાથી તેને રાજકોટ રહેવા જવું ન હતું. વાતચીત દરમિયાન પ્રવિણની પત્ની કસકબેને તેના પતિને કહ્યું કે, ‘તું રાજકોટ રહેવા નહીં આવે તો હું તને છૂટાછેડા આપી દઇશ’ તેમ કહ્યું હતું. આ બાબતનું પ્રવિણને મનમાં લાગી આવતા પ્રવિણે શુક્રવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હેકો જે કે વજગોર તથા સ્ટાફે પ્રવિણના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


