Thursday, October 8, 2026
Homeરાજ્યજામનગરશિક્ષકો પર વધતા બિન-શૈક્ષણિક કામગીરીના ભારણ સામે પ્રાથમિક શિક્ષક સંઘનો મોરચો -...

શિક્ષકો પર વધતા બિન-શૈક્ષણિક કામગીરીના ભારણ સામે પ્રાથમિક શિક્ષક સંઘનો મોરચો – VIDEO

શિક્ષણમંત્રીને રજૂઆત કરી ‘One Teacher-One Data’ સહિતની વિવિધ માંગણીઓ સાથે કામગીરીનું ભારણ ઘટાડવા અપીલ

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પર સતત વધી રહેલી શૈક્ષણિક ઉપરાંત બિન-શૈક્ષણિક અને વહીવટી કામગીરીને લઈને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનસિંહ વાજાને રજૂઆત કરવામાં આવી છે. પાઠવાયેલા પત્રમાં શિક્ષકો પરના વધતા કામગીરીના ભારણને કારણે સર્જાતા માનસિક તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવાની માંગ કરવામાં આવી છે.

- Advertisement -

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની નીલોશી પ્રાથમિક શાળાના આચાર્યના દુઃખદ અવસાનની ઘટનાનો ઉલ્લેખ કરી સંઘે શિક્ષકોની કાર્યપરિસ્થિતિ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને ગંભીરતાથી લેવા સરકાર સમક્ષ અપીલ કરી છે. સંઘના જણાવ્યા મુજબ શિક્ષકની મુખ્ય જવાબદારી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની છે, ત્યારે સતત વધતી વિવિધ પ્રકારની બિન-શૈક્ષણિક કામગીરી શિક્ષણ કાર્યને પણ અસર કરી શકે છે.

- Advertisement -

સંઘે શિક્ષકોને સોંપવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરીની રાજ્યકક્ષાએ સમીક્ષા કરી અનાવશ્યક કામગીરી બંધ કરવા માંગ કરી છે. સર્વે, ડેટા એન્ટ્રી, વિવિધ પ્રકારના રિપોર્ટ અને વહીવટી કામગીરીમાં ઘટાડો કરવા તેમજ શિક્ષકોને વારંવાર એક જ પ્રકારનો ડેટા અલગ-અલગ પ્લેટફોર્મ પર ન ભરવો પડે તે માટે ‘One Teacher-One Data’ અને ‘Single Data System’ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત કોઈ નવી કામગીરી સોંપતા પહેલા તેના માટે જરૂરી સમય અને માનવબળ સહિતનું ‘Workload Assessment’ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પરીક્ષા, તાલીમ, સર્વે અને અન્ય કામગીરી એક જ સમયે ન આવે તે માટે ‘Single Window – Planned Calendar’ તૈયાર કરવાની પણ માંગ કરાઈ છે.

- Advertisement -

શિક્ષકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જિલ્લા અને તાલુકા કક્ષાએ ગોપનીય કાઉન્સિલિંગ તથા ‘Stress Management’ માટેની વ્યવસ્થા ઉભી કરવાની માંગ પણ સંઘે કરી છે. નાની ભૂલ અથવા રિપોર્ટિંગમાં વિલંબ થાય ત્યારે તાત્કાલિક દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે પહેલા માર્ગદર્શન અને સુધારાની તક આપવામાં આવે તે માટે ‘Support First – Punishment Later’ અભિગમ અપનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

સંઘે શાળા સમય પૂર્ણ થયા બાદ અતિઆવશ્યક કામગીરી સિવાય સતત ઓનલાઇન ઉપલબ્ધ રહેવાની અપેક્ષા ન રાખવામાં આવે તે માટે ‘Right to Disconnect’ અંગે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા માંગ કરી છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષકો સરકારની શૈક્ષણિક પહેલોને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. જોકે, શિક્ષકોને બિનજરૂરી અને પુનરાવર્તિત કામગીરીના ભારણમાંથી મુક્ત કરી તેઓ વધુ સમય અને ધ્યાન વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ આપી શકે તે માટે સરકાર દ્વારા જરૂરી નીતિગત પગલાં લેવામાં આવે તેવી સંઘની મુખ્ય માંગ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular