નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવતા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં BDDS ટીમ તથા નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ, મુસાફરોના સામાન, બેગ તેમજ અન્ય વસ્તુઓની ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી હતી. નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુથી નાર્કોટિક્સ ડોગ દ્વારા પણ ખાસ તપાસ કરવામાં આવી હતી.
View this post on Instagram
નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ લોકોની અવરજવર વધતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે આગોતરી તકેદારીના ભાગરૂપે આ ચેકિંગ હાથ ધરાયું હતું.
BDDS ટીમ દ્વારા સુરક્ષાના દૃષ્ટિકોણથી વિવિધ સ્થળો અને આસપાસના વિસ્તારોની તપાસ કરવામાં આવી હતી, જ્યારે નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જાહેર સ્થળો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.


