મુંબઈના અંધેરીથી દ્વારકાધીશ અને માતાના મઢ સુધી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ હિન્દુત્વના મહત્વનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાતી આ યાત્રાનું આ વર્ષે સાતમું વર્ષ છે.
આ યાત્રામાં અંદાજે 30 સાયકલ સવારો, 15 સેવાભાવી કાર્યકરો અને 2થી 3 વાહનો જોડાયા છે. યાત્રાળુઓ વિવિધ સ્થળોએથી પસાર થઈને દ્વારકાધીશના દર્શન તરફ આગળ વધી રહ્યા છે. માર્ગમાં સ્થાનિક લોકો દ્વારા પણ યાત્રાળુઓને ઉત્સાહભેર આવકાર અને સહકાર મળી રહ્યો છે.
જામનગરના બેડ ગામે યાત્રાળુઓનું રાત્રિ રોકાણ
સાયકલ યાત્રા દરમિયાન યાત્રાળુઓ જામનગર જિલ્લાના બેડ ગામ ખાતે આવેલા રાધેશ્યામ મંદિરે રોકાયા છે. અહીં સ્થાનિક લોકો અને મંદિર સંચાલકો દ્વારા યાત્રાળુઓ માટે રહેવા તેમજ ભોજન સહિતની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓએ બેડ ગામના લોકો દ્વારા આપવામાં આવેલા સહકાર અને સેવાભાવ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
આજે રાત્રે બેડ ગામ ખાતે રોકાણ કર્યા બાદ યાત્રાળુઓ રાત્રિના સમયે આગળની યાત્રા માટે રવાના થશે. ત્યારબાદ કાલે સાંજે દ્વારકાધીશના દર્શન કરી તેઓ આગળ માતાના મઢ તરફ પ્રસ્થાન કરશે.
યાત્રા દરમિયાન રસ્તામાં આવતા વિવિધ ગામો અને શહેરોના લોકો પણ સાયકલ યાત્રાળુઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. સેવાભાવીઓ દ્વારા યાત્રાળુઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સતત સાયકલ ચલાવીને લાંબી યાત્રા કરી રહેલા યાત્રાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ અને આસ્થા સાથે શરૂ થયેલી આ સાયકલ યાત્રા સાતમા વર્ષે પણ લોકોમાં ધાર્મિક ભાવના અને એકતાનો સંદેશ પહોંચાડી રહી છે.


