જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતી મહિલાને તેણીના પતિ અને સાસુ-સસરા દ્વારા ખોટી શંકાઓ કરી જેમ ફાવેતેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકયાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી ભરડીયાધાર વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા મંજુબેન ડાભી (ઉ.વ.45) નામના મહિલાને તેણીના પતિ દિપક ગગુ ડાભી, સાસુ શારદાબેન ગગુ ડાભી અને સસરા ગગુ ડાભી સહિતનાઓ દ્વારા પુત્રવધુ ઉપર ખોટી શંકાઓ કરી મજુરી કામ બાબતે મેણાટોણા મારી જેમ ફાવેતેમ ગાળો કાઢી હતી. અને ઢીકાપાટુનો માર માર પતાવી દેવાની ધમકી આપી હતી. તેમજ શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ મહિલા દ્વારા તેણીના પતિ અને સાસુ સસરા વિરૂઘ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે એએસઆઇ એલ.આર. ચાવડા તથા સ્ટાફે સાસરિયાઓ વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


