ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે માસ સી.એલ. પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તા. 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી વિરોધ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ 3ના કર્મચારીઓ દ્વારા સિનિયર સર્વેયર સંવર્ગ પગાર ધોરણ સહિતના વિવિધ પડતર પ્રશ્નોને લઇ અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા બાદ 30 દિવસની અંદર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં ઉકેલ ન આવતાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. 11 થી 18 સપ્ટેમ્બર સુધી તમામ કર્મચારીઓએ પેનડાઉન કરી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ આજે જામનગર સહિત રાજ્યના તમામ કર્મચારીઓ માસ સી.એલ.પર ઉતર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.
સોમવાર, તા. 21થી રાજ્યના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળ ઉપર ઉતરશે અને વિરોધ પ્રદર્શન કરશે.



