રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે મલ્ટી-નેશનલ HADR એક્સરસાઇઝ ‘સહાયતા સેતુ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેટિક ડિસ્પ્લે અને ઇન્ડસ્ટ્રી ઇક્વિપમેન્ટ ડિસ્પ્લેની મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ૨૪ મિત્ર દેશોના પ્રતિનિધિઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
એરફોર્સના ટારમેક (ડિસ્પર્સલ એરિયા) ખાતે વિવિધ સુરક્ષા અને નાગરિક એજન્સીઓ દ્વારા આપત્તિ સમયે બચાવ અને રાહત કામગીરીનું પ્રાયોગિક પ્રદર્શન યોજાયું. તેમાં સ્ટેટિક ડિસ્પ્લે, FICCI પ્રદર્શન અને મલ્ટી-એજન્સી કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેશન (MACD) સામેલ હતું.
બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (Humanitarian Assistance and Disaster Relief – HADR) કવાયત ‘સહાયતા સેતુ’ અંતર્ગત ઇન્ડીયન એરફોર્સ, આર્મી અને નેવી દ્વારા કુદરતી આફતો અને કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોને કેવી રીતે ઝડપી અને અસરકારક મદદ પહોંચાડી શકાય તે અંગેની કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એરફોર્સના વિવિધ વિમાનો, ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટર્સ જેમકે AN-32, જગુઆર, C-130, MI-17, ચીનુક ચીતા હેલિકોપ્ટર દ્વારા આપત્તિના સમયે બચાવ, રાહત અને સહાય કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવે છે તેની પ્રત્યક્ષ ઝલક રજૂ કરવામાં આવી હતી.
View this post on Instagram
મંત્રીએ સહાયતા સેતુ એકસરસાઈઝ તેમજ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતીય વાયુસેનાની આધુનિક ક્ષમતા, ટેક્નોલોજી અને કામગીરીની માહિતી મેળવી હતી. આ પ્રદર્શન દ્વારા કુદરતી આફતોના સમયે ભારતીય વાયુસેના, વિવિધ સુરક્ષા એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદાર દેશો વચ્ચેના સંકલન, સહયોગ અને માનવતાવાદી સહાયની ક્ષમતાનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ આપત્તિના સમયે વિવિધ સંરક્ષણ દળો, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર દેશો વચ્ચે સામૂહિક સજ્જતા મજબૂત બનાવવાનો, પરસ્પર કાર્યક્ષમતા અને સંકલન વધારવાનો તેમજ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ઝડપી અને અસરકારક આપત્તિ પ્રતિસાદની ક્ષમતા વિકસાવવાનો છે. આ કવાયત રાષ્ટ્રીય મહત્ત્વની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ, આપત્તિ પૂર્વતૈયારી અને સામૂહિક સ્થિતિસ્થાપકતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને ઉજાગર કરશે.


