જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વિવિધ વોર્ડમાં ભૂગર્ભ ગટર, સીસી રોડ/પેવર બ્લોક તથા યુસીએચસી મલ્ટીપરા મોનિટર ખરીદી સહિત કુલ રૂા. 6.34 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઇ જાની, આસિસ્ટન્ટ કમિશનર (વહિવટી) મુકેશભાઇ વરણવા, આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીજ્ઞેશભાઇ નિર્મળ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ 2026-’27ની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ વેસ્ટઝોન, વોર્ડ નંબર 1, 6 અને 7માં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગે્રડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂા. 15 લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ 2026-’27ની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ વેસ્ટઝોન, વોર્ડ નંબર 2, 3 અને 4માં સ્ટ્રેન્ધનિંગ એન્ડ અપગે્રડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂા. 17.07 લાખ, સ્વભંડોળ અંતર્ગત સિવિલ શાખા વેસ્ટ ઝોન વોર્ડ નંબર 1, 6 અને 7માં ઓ.એફ.સી. કેબલ લેઇંગ, ગેસ પાઇપલાઇન લેઇંગ તથા ઇલેકટ્રીક લાઇન લેઇંગ અને વોટર વર્કસ શાખા દ્વારા કરાયેલ ટ્રેન્ચમાં પેચવર્ક માટે રૂા. 48.75 લાખ, સ્વભંડોળ અંતર્ગત સિવિલ શાખા વેસ્ટ ઝોન વોર્ડ નંબર 2, 3 અને 4માં ઓ.એફ.સી. કેબલ લેઇંગ, ગેસ પાઇપલાઇન લેઇંગ તથા ઇલેકટ્રીક લાઇન લેઇંગ અને વોટર વર્કસ શાખા દ્વારા કરાયેલ ટ્રેન્ચમાં પેચવર્ક માટે રૂા. 68.61 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
View this post on Instagram
79-વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યની માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2025-’26ની સ્પેશિયલ 100 ટકા ગ્રાન્ટ અંતર્ગત ધારાસભ્યએ સૂચવેલ સીસી રોડ/પેવર બ્લોક અંગે રૂા. 200 લાખ, વોર્ડ નંબર 1, 2, 3, 4, પમાં ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારિત સફાઇ અને સફાઇ મશીનોની કોમ્પ્રેહેન્સિવ ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી માટે બે માસ માટે વધારાના ખર્ચ અંગે રૂા. 3.74 લાખ, એસજેએમએમએવાયજેની ગ્રાન્ટ અન્વયે વોટર વર્કસ શાખાના હેડવર્કસ પૈકી ખીજડિયા પમ્પહાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, ઉંડ 1 ડેમ, સસોઇ ડેમ તથા આજી 3 ડેમ ખાતે માનવશક્તિ પૂરી પાડીને કોમ્પ્રહેન્સિવ ધોરણે રાઉન્ડ-ધ-ક્લોક ઇલેકટ્રો મિકેનિકલ મશીનરીઝનું ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (બે વર્ષ માટે)ના કામ અંગે રૂા. 278.13 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.
આ ઉપરાંત ત્રણ યુસીએચસી માટે મલ્ટીપેરા મોનિટર ખરીદી માટે રૂા. 2.45 લાખ સહિત કુલ રૂા. 6.34 કરોડના ખર્ચ મંજૂર કરાયા હતાં.


