સુરજકરાડીના મુખ્ય બજારમાં કૃષ્ણા એન્ટરપ્રાઇઝ દુકાન નજીક પાર્ક કરેલી ઈલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાર્ક કરેલી બાઈકમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી હતી.
આગ લાગ્યાની જાણ થતાં નજીકના વેપારીએ તાત્કાલિક પાણીનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવી દેવામાં આવી હતી.
ઈલેક્ટ્રિક બાઈકમાં આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. બાઈકની બેટરી કે અન્ય ટેકનિકલ કારણસર આગ લાગી હોવાની શક્યતા અંગે તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
View this post on Instagram
સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે મુખ્ય બજાર જેવા ભીડભાડવાળા વિસ્તારમાં પાર્ક કરેલી બાઈકમાં આગ લાગતાં સ્થાનિકોમાં ચકચાર મચી હતી.
ઘટનાએ ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષા અંગે પણ ફરી એક વખત સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક બાઈક અને સ્કૂટર રાખતા વાહનચાલકોમાં બેટરી તથા વાહનની સલામતી અંગે ચિંતા જોવા મળી રહી છે.


