જામનગરમાં બેંકની તિજોરીમાં મુકાયેલા સોનાના દાગીના તિજોરીની ચાવી મેળવી અસલી દાગીના કાઢી નકલી દાગીના મુકી દેવાની ફરિયાદના કેસમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ રોકડ, સોનાના દાગીના સહિત કુલ રૂા.43,16,450નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને હજુ એક શખ્સની શોધખોળ ચાલી રહી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના ઇન્ડીયન બેંક રણજીતસાગર રોડ બ્રાન્ચમાં પટ્ટાવાળા/કારકુન તરીકે નોકરી કરતા શખ્સે બેંકની તિજોરીની ચાવી ચોરી છુપીથી બ્રાન્ચ મેનેજરની ચેમ્બરના ખાનામાંથી મેળવી તે ચાવીથી તિજોરીનો લોક ખોલી વિવિધ ગોલ્ડ લોનના ગ્રાહકોના રૂા.39,48,912ની કિંમતના 342.1 ગ્રામ અસલ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં અને તેના સ્થાને ડુપ્લીકેટ દાગીના રાખી દીધા હતાં. આ અંગે સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ સીટી એ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.
View this post on Instagram
આ દરમિયાન સીટી એના હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, વિજયભાઇ કાનાણી, હિતેશભાઇ સાગઠીયાને આ કેસમાં સંડોવાયેલ શખ્સ વિજય આલા વઘોરા નામનો શખ્સ બિલ આધાર વગરના સોનાના દાગીના વેંચવા માધવ પ્લાઝામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જેને લઇ સ્ટાફે વોચ ગોઠવી વિજય વઘોરાને ઝડપી લઇ પુછપરછ કરતા પોતાને સોનાના દાગીના રણજીતસાગર રોડ ઉપર આવેલ ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હસમુખ દિનેશ પારીયા નામના શખ્સે બેંકમાંથી દાગીના ચોરી કરી વેંચવા માટે આપ્યાના કબુલાત કરી હતી.
પોલીસે હસમુખ દિનેશ પારીખ અને વિજય આલા વઘોરા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1,91,450ની કિંમતના 17.040 ગ્રામના સોનાના દાગીના તથા રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન સહિતા મુદામાલ કબ્જે કર્યો હતો. આ બન્ને શખ્સોને અદાલતમાં રજૂ કરી રીમાન્ડ મેળવાયા હતાં. રીમાન્ડ મેળવી તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂા.38,55,000ની કિંમતના 330.05 ગ્રામ સોનાના દાગીના, રૂા.2,60,000ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. આમ પોલીસે સોનાના દાગીના, રોકડ સહિત કુલ રૂા.43,16,450નો મુદામાલ સમગ્ર તપાસ દરમિયાન કબ્જે કર્યો હતો. આ કેસમાં અન્ય આરોપી રમેશ ભીમજી પારીયાની શોધખોળ ચાલી રહી છે.
પોલીસ તપાસ દરમિયાન આરોપી વિજય આલા વઘોરા વિરૂઘ્ધ જામનગર સીટી એ, સીટી સી, ખંભાળિયા, સલાયા, વલસાડ-બીલાડ, અમરેલી-પીપાવાવ સહિત કુલ 6 પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓ નોંધાયા છે.


