જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી પાસે બેફીકરાઈથી પસાર થતી બોલેરો પીકઅપ વાહને સીએનજી રીક્ષાને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા હાઈ-વે પર મોટી ખાવડી ગામ પાસે આવેલી મચ્છીમાર્કેટ નજીકના રોડ પરથી શનિવારે સવારના 09:30 વાગ્યાના અરસામાં પુરપાટ બેફીકરાઈથી પસાર થઈ રહેલા જીજે-14-ઝેડ-7224 નંબરના બોલેરો પીકઅપ વાહનના ચાલકે આગળ જતી સીએનજી રીક્ષાને સાઈડમાંથી ઠોકર મારતા રીક્ષામાં સવાર મુસાફરો રોડ પર પટકાયા હતાં તેમજ રાહુલકુમાર, રીક્ષાચાલક કરણભાઈ તથા મુસાફર ધોનો હેમ્બ્રમ અને તુરીપુર્તિ નામના ચાર વ્યક્તિઓ રોડ પર પટકાતા ચારેયને શરીરે તથા માથામાં ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલા રીક્ષાચાલક સહિતના ચાર વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન ધોનો હેમ્બ્રમ નામના વ્યક્તિનું માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માતના બનાવ બાદ બોલેરો પીકઅપ વાહનનો ચાલક નાશી ગયો હતો. બનાવ અંગે રોશનકુમાર ઠાકુર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


