પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભક્તિ અને દેશભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. વિશ્ર્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના આશરે 150 ફૂટ ઊંચા શિખર પર તિરંગાના રંગોથી શોભતી બાવન ગજની વિશેષ ધ્વજા લહેરાવવામાં આવી હતી. મંદિરના ગગનચુંબી શિખર પર લહેરાતી આ ધ્વજાએ સમગ્ર દ્વારકાધામમાં દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર દરરોજ પરંપરાગત રીતે ધ્વજાજી ચડાવવાની વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. રાષ્ટ્રીય પર્વના પાવન અવસરને ધ્યાનમાં રાખીને આ પરંપરાને દેશભક્તિના રંગ સાથે જોડવામાં આવી હતી અને તિરંગાના રંગોથી શોભતી વિશેષ ધ્વજાજીનું ધાર્મિક વિધિ-વિધાન સાથે આરોહણ કરવામાં આવ્યું હતું.
મંદિરના ઊંચા શિખર પર લહેરાતી તિરંગી ધ્વજાજીનું મનમોહક દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે રાષ્ટ્રધ્વજના રંગોમાં રંગાયેલી ધ્વજાજીના દર્શનથી ભાવિકોમાં દેશભક્તિની લાગણી વધુ પ્રબળ બની હતી.
View this post on Instagram
ધ્વજાજીના આરોહણ સમયે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. ભક્તોએ ‘જય દ્વારકાધીશ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી વાતાવરણને ગુંજાવી દીધું હતું. એક તરફ ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ-બંને લાગણીઓનું આ દ્રશ્ય ભક્તો માટે યાદગાર બની રહ્યું હતું.
દ્વારકાધીશ મંદિરના શિખર પર ફરકતી તિરંગી ધ્વજાજીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીને વિશેષ આધ્યાત્મિક અને દેશભક્તિમય રંગ આપ્યો હતો. ધાર્મિક આસ્થા અને રાષ્ટ્રપ્રેમના આ અનોખા સંગમે દ્વારકાધામમાં ઉપસ્થિત સૌના હૃદયમાં ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાવી હતી.


