Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરજામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ફરી આક્ષેપોના ઘેરામાં - VIDEO

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ ફરી આક્ષેપોના ઘેરામાં – VIDEO

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ ફરી એક વખત ગંભીર આક્ષેપોના કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટરોના કામના કલાકો, પૂરતો આરામ ન મળવો, ખોરાકની સુવિધા, રજા અને ફરિયાદ કરવા અંગેના કથિત દબાણ સહિતના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મેડિકલ તંત્રમાં પણ ખળભળાટ મચ્યો છે.

- Advertisement -

અનામી ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસેથી 40 થી 44 કલાક સુધી સતત ડ્યૂટી કરાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ‘ડબલ ઇમરજન્સી’ દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ અને બે કલાકનો પણ યોગ્ય આરામ ન મળતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરોનું સાપ્તાહિક કામનું ભારણ અંદાજે 140 કલાક સુધી પહોંચતું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. સમગ્ર મહિના દરમિયાન એક પણ દિવસની રજા ન મળતી હોવાના આક્ષેપથી પણ ગંભીર સવાલો ઊભા થયા છે. માત્ર કામના કલાકો પૂરતા જ નહીં, પરંતુ સિનિયર અને જુનિયર વચ્ચેના વ્યવહારને લઈને પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જુનિયર રેસિડેન્ટ્સ પાસે સિનિયર માટે નાસ્તો કરાવવાની ફરજ પાડવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે

- Advertisement -

આ ઉપરાંત પોતાની ફરિયાદ રજૂ કરનારા રેસિડેન્ટ્સમાં ભયનું વાતાવરણ હોવાનો અને ફરિયાદ કર્યા બાદ ‘બધું બરાબર છે’ તે પ્રકારના નિવેદન પર સહી કરાવવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં મેડિકલ અભ્યાસ વચ્ચે સીટ છોડવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે લાખો રૂપિયાની પેનલ્ટીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. જોકે આ તમામ આક્ષેપો અનામી ફરિયાદમાં કરવામાં આવેલા દાવા છે અને તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

- Advertisement -

અનામી ફરિયાદને તંત્રએ હળવાશથી ન લીધી હોવાનુ સ્પષ્ટ કર્યુ છે. ફરિયાદ અનામી હોવા છતાં તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજ પ્રશાસને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. કોલેજના કુલ 22 વિભાગોના વડાઓને ફરિયાદ અંગે જાણ કરવામાં આવી હતી અને તેમના વિભાગોમાં આવી કોઈ સમસ્યા કે નકારાત્મક પ્રવૃત્તિ ચાલી રહી છે કે કેમ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી. તમામ 22 વિભાગોના વડાઓ પાસેથી મળેલા જવાબમાં આ પ્રકારની કોઈ નકારાત્મક પ્રવૃત્તિ કે સમસ્યા ચાલતી ન હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું ડીન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

મેડિકલ કોલેજ પ્રશાસન અને ડીન ડો. નંદની દેસાઈ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી અનામી ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. ડીનના જણાવ્યા મુજબ રેસિડેન્ટ ડોક્ટરોને પૂરતો ખોરાક કે ઊંઘ ન મળતી હોવા, વધુ પડતા વર્કિંગ અવર્સ, ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવતું હોવા જેવા આક્ષેપો અંગે તમામ સંબંધિત વિભાગોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોઈપણ વિભાગમાં આ પ્રકારની નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું નથી

કોલેજ પ્રશાસનનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો પોતાની સમસ્યા સીધી તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે વિવિધ ફરિયાદ નિવારણ વ્યવસ્થાઓ કાર્યરત છે. વિદ્યાર્થીઓ પોતાની ઓળખ જાહેર કર્યા વગર ફરિયાદ કરી શકે તે માટે ચછ કોડ આધારિત વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને મેન્ટર ફાળવવામાં આવ્યા છે અને નિયમિત મેન્ટરશીપ દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ અને મુશ્કેલીઓ રજૂ કરી શકે છે. વિદ્યાર્થીઓ સીધા ડીનના ઇમેઇલ પર પણ પોતાની રજૂઆત કરી શકે છે. દરેક વિભાગમાં સમયાંતરે યોજાતી બેઠકો દરમિયાન પણ વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની તક આપવામાં આવતી હોવાનું તંત્રએ જણાવ્યું છે

મેડિકલ કોલેજ પ્રશાસનના જણાવ્યા મુજબ આજદિન સુધી કોઈ વિદ્યાર્થી કે રેસિડેન્ટ ડોક્ટર તરફથી નામ સાથે આવી કોઈ સત્તાવાર ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. પરંતુ અનામી ફરિયાદને પણ ગંભીરતાથી લઈને તમામ 22 વિભાગો પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તંત્રએ સાથે જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈપણ વિભાગમાં આવી પરિસ્થિતિ હોવાનું સામે આવશે તો સમગ્ર મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે. એકતરફ અનામી ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરોના કામના કલાકો અને સુવિધાઓને લઈને અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ મેડિકલ કોલેજ પ્રશાસન તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રહ્યું છે

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે, જો ફરિયાદ સંપૂર્ણપણે પાયાવિહોણી છે તો રેસિડેન્ટ ડોક્ટરોના ડ્યૂટી અવર્સ, રેસ્ટ પિરિયડ, રજાઓ અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાની પારદર્શક માહિતી જાહેર કરવામાં આવે તો અનેક સવાલોના જવાબ મળી શકે. મેડિકલ ક્ષેત્રમાં સતત લાંબી ફરજ અને આરામના અભાવના આક્ષેપો સામાન્ય બાબત નથી. કારણ કે અહીં પ્રશ્ન માત્ર એક વિદ્યાર્થી કે રેસિડેન્ટ ડોક્ટરનો નથી, પરંતુ દર્દીઓની સારવાર સાથે પણ સીધો જોડાયેલો છે. હાલમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તંત્રએ તપાસ કરાવી તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ અનામી ફરિયાદે રેસિડેન્ટ ડોક્ટરોની ડ્યૂટી સિસ્ટમ, કામના કલાકો અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને લઈને ચર્ચા ચોક્કસપણે જગાવી છે

હવે જોવાનું એ રહેશે કે, કોલેજ પ્રશાસનની સ્પષ્ટતા બાદ આ મામલો શાંત થાય છે કે પછી આક્ષેપો અંગે કોઈ નવી ફરિયાદ, પુરાવા અથવા હકીકત સામે આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular