જામનગર શહેરમાં આવેલી જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમ્યાન ત્રણ દરવાજા પાસે આવેલી જર્જરિત દુકાનની ઉપરના મકાનનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં વર્ષોથી જર્જરિત રહેલી ઇમારતો તોડી પાડવા માટે મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના નેજા હેઠળ આવી જર્જરિત ઇમારતોની પાડતોડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત આજે સવારે જામનગર શહેરના કાશી વિશ્ર્વનાથ રોડ ઉપર, ત્રણ દરવાજા નજીક આવેલી જર્જરિત દુકાન ઉપર રહેલા મકાનનો ભયજનક રહેલો જર્જરિત ભાગ તોડી પાડવામાં માટે એસ્ટેટ શાખા દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. અતિશય ગીચ વિસ્તાર અને વાહનોની ભારે અવર-જવર હોવાથી એસ્ટેટ શાખા દ્વારા આજે સવારે સાવચેતી રાખી જર્જરિત મકાનનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. શહેરમાં આવેલી અનેક જર્જરિત ઇમારતોને મહાનગરપાલિકા દ્વારા નોટીસ પણ ફટકારવામાં આવી છે.


