જામનગર શહેરની જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગ્રાઉન્ડ ફલોર પાસેથી આજે સવારે સીડી નીચે એક મૃત નવજાત શિશુ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જી. જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં આવેલી સીડી નીચે જી. જી. હોસ્પિટલમાંથી તરછોડી દીધેલું નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ બનાવ અંગેની જાણ કરાતા 112 જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. પીએન3/પીપીએલ વોર્ડમાં બંધ પડેલી સીડી નીચેથી નવજાત શિશુના મૃતદેહનો કબ્જો સંભાળી હોસ્પિટલના સીસીટીવી કેમેરા નિહાળવા તપાસ આરંભી હતી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી નવજાત શિશુનો મૃતદેહ સાંપડતાં હોસ્પિટલમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. બનાવ અંગે પોલીસે નવજાતને તરછોડી દેનાર અજાણી મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


