લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દસ દિવસ પૂર્વે રાત્રિના સમયે રખડતાં ઢોરે હડફેટ લેતાં ઘવાયેલા ઓરિસ્સાના યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તજવીજ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતો બિજયા બેહરાનુ નામનો યુવાન ગત્ તા. 03ના રોજ રાત્રિના સમયે આરબલુસ માર્કેટ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે દરમ્યાન રખડતાં ઢોરે બિજયાને હડફેટ લેતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારને જાણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશભરમાં રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વર્ષોથી આવી રહેલી જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા લાંબા ગાળાની કોઇ યોજના કે કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે રખડતાં ઢોરની હડફેટે અવારનવાર લોકોના મોત નિપજવાની ઘટનાઓ બનતી હોય છે. જ્યારે જિલ્લામાં દરરોજ અસંખ્ય લોકોને શ્વાન કરડી જવાના કેસ પણ થતા હોય છે.


