જામનગર તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત અને તેની માતાના નામ પર ધીરાણ મેળવ્યું હતું. ધીરાણની રૂા. 20 લાખની રકમ તથા ખેડૂતની પત્નીના ખાતામાંથી રૂા. 3 લાખ મળી કુલ રૂા. 23 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતાં અને ખેતી કરતાં પરસોત્તમભાઇ ચનાભાઇ લીંબાસિયા (ઉ.વ.51) નામના ખેડૂત પ્રૌઢે તેની માલિકીની સર્વે નંબર 1117ની તેમજ 705ની ખેતીની જમીન પર તેના તથા તેની માતા ઉજીબેનના નામે વર્ષ 2024માં ધુતારપરની બેન્ક ઓફ બરોડામાંથી ધીરાણ તેમજ બચત ખાતામાં રૂા. 20 લાખની ધિરાણની રકમ ઉપાડવા માટે ગયા હતા ત્યારે ખેડૂત અને તેની માતા બન્નેના ખાતામાંથી રૂા. 20 લાખની રકમ માતા-પુત્રની જાણ બહાર દીપેન પુછડિયા (લક્ષ્મીપાર્ક, જામનગર) નામના શખ્સે ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ ખેડૂતની પત્ની જ્યોત્સનાબેનના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી દંપતીની જાણ બહાર તેમના ચેક દ્વારા રૂા. 3 લાખ મળી કુલ રૂા. 23 લાખની ઉચાપાત કરી હતી. આ અંગેની જાણ થતાં ખેડૂત દ્વારા રૂા. 23 લાખની છેતરપિંડી મામલે પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ એ. આર. પરમાર તથા સ્ટાફે પરસોત્તમભાઇ ખેડૂતના નિવેદનના આધારે દીપેન પુછડિયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


