રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના પ્રવાસ દરમિયાન જામનગરના ગોરધનપર નજીક નિર્માણાધીન વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (GTMC)ની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્માણ પામી રહેલું વિશ્વનું એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન છે, જ્યાં સમગ્ર વિશ્વમાં પ્રચલિત 100થી વધુ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના સંશોધન અને અભ્યાસનું કાર્ય હાથ ધરવામાં આવશે. ભારત સરકારના આયુષ મંત્રાલયના અનુમોદન સાથે ITRA, જામનગરના સહયોગથી આ મહત્ત્વાકાંક્ષી કેન્દ્રનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આશરે 20 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું GTMC કેન્દ્ર સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કેમ્પસમાં અત્યાધુનિક કચેરી વ્યવસ્થા, ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ લાયબ્રેરી, એક્સપિરિયન્સ ઝોન, વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને આવરી લેતી પ્રદર્શન ગેલેરી, અલ્ટ્રા-મોડર્ન ત્રણ ઓડિટોરિયમ, વિશાળ પાર્કિંગ, સોલાર સિસ્ટમ, સ્યુઅર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), હાઇ-સિક્યોરિટી CCTV સિસ્ટમ, કર્મચારી આવાસ તથા બાળકો માટે ડે-કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રગતિ હેઠળ આ તમામ સુવિધાઓ વિશે માહિતી અને કેન્દ્રની મુલાકાત લઈ મંત્રીએ લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા રૂ. 269.73 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. અંદાજે 26,130 ચોરસ મીટર વિસ્તારમાં એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, રહેણાંક સુવિધાઓ અને સબ-સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 26,500 ચોરસ મીટર વિસ્તારમાં બાગ-બગીચાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય પરંપરાગત આયુર્વેદિક ઔષધિઓના આશરે વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોને સ્થાન આપવામાં આવશે. આ કેન્દ્રમાં વિશ્વના વિવિધ ઝોનમાંથી નિષ્ણાતો, સંશોધકો અને કર્મચારીઓ કાર્યરત રહેશે. પરિણામે વિશ્વભરમાં પ્રચલિત વિવિધ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ પર સંશોધન કરતા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો જામનગરની મુલાકાત લેશે. આ કેન્દ્ર કાર્યરત બન્યા બાદ જામનગર અને ગુજરાતને વૈશ્વિક સ્તરે એક વિશિષ્ટ ઓળખ પ્રાપ્ત થશે. મંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી પ્રોજેક્ટને સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.
ITRA ના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીએ મંત્રીને સમગ્ર કેન્દ્રની મુલાકાત કરાવી પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી અને પરિચય આપ્યો હતો. આ પ્રસંગે WHO-GTMC ના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા સહિત લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


