Thursday, July 30, 2026
Homeરાજ્યજામનગરકોઇ થ્રિલર ફિલ્મમાં પણ ન હોય તેવો સનસનાટીભર્યો હત્યાકાંડની દાસ્તાન - VIDEO

કોઇ થ્રિલર ફિલ્મમાં પણ ન હોય તેવો સનસનાટીભર્યો હત્યાકાંડની દાસ્તાન – VIDEO

જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગૂમનોંધના આધારે પોલીસ દ્વારા તપાસમાં દ્રશ્યમ-2 ફિલ્મ જેવો સનસનાટીભર્યો હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બે વર્ષ પહેલાં પત્નીએ પ્રેમી સહિતના બે શખ્સો સાથે મળીને પતિને દારૂમાં સાઇનાઇડ પીવડાવી મોતને ઘાટ ઉતારી કારખાનામાં 12 ફુટ ઉંડો ખાડો કરી દાટી દીધા બાદ ગઇકાલે પોલીસે મૃતક યુવાનના કંકાલ કબ્જે કરી ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

ડિઝિટલ યુગમાં છેલ્લા એકાદ વર્ષથી પ્રેમી સાથે મળી પત્ની દ્વારા પતિની હત્યા કરી ડ્રમમાં પૂરી દેવા તથા કટકા કરી ફ્રિજમાં રાખી દેવા અથવા પહાડ પર લઇ જઇ ઉંચાઇ પરથી ધક્કો મારી દેવાની સનસનાટીભરી હત્યાથી દેશ હચમચી ગયો છે. તેમાં પણ ખાસ કરીને આવી ક્રૂર કાવતરાપૂર્વક કરાયેલી હત્યામાં મહદ્અંશે પ્રેમ પ્રકરણ કારણ બને છે. તેમાં પણ યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમીનું કાસળ કાઢી નાખવાની ઘટનાથી લગ્નજીવનમાં હાલના સંજોગોમાં યુવતી કે પ્રેમિકા ઉપર કેટલો ભરોસો કરવો? એક તો પહેલેથી જ યુવક અને યુવતીઓ લગ્ન કરવાનો વિચાર ઓછો કરતાં હોય છે તેમાં પણ છેલ્લા એક વર્ષથી દેશભરમાં બની રહેલા સનસનાટીભર્યા હત્યાકાંડથી યુવક અને યુવતીઓમાં પ્રેમ ઉપર વિશ્ર્વાસ કરવો કે ન કરવો? તે બાબત આગામી ભવિષ્યમાં દેશના યુવાનો માટે ચિંતાજનક અને ગંભીર વિષય બનતો જાય છે. મેટ્રોસિટીમાં આવી ઘટનાઓ સામાન્ય બનતી હોય છે પરંતુ દેશના છેવાડે દરિયાકિનારે આવેલા જામનગરમાં બનેલા આવા જ એક હત્યાકાંડે હાલારને હચમચાવી દીધો છે.

- Advertisement -

જામનગરમાં બનેલા સનસનાટીભર્યા દ્રશ્યમ-2 ફિલ્મ જેવા હત્યાકાંડની વિગત મુજબ હાપામાં મારૂતિ શોરૂમની પાછળ આવેલા મુખ્યમંત્રી આવાસના એ વિંગમાં સાતમા માળે 702માં રહેતાં અશોકભાઇ ધરમશીભાઇ માવદિયા (ઉ.વ.50) નામના પ્રજાપતિ (કુંભાર) યુવાનને ત્રણ ભાઇઓ હતા. જેમાં મોટાભાઇ દિનેશભાઇનું અવસાન થયું હતું. ત્રણ વર્ષ પહેલાં જીજ્ઞેશ ધરમશીભાઇ માવદિયા (ઉ.વ.36) અને તેની પત્ની પૃથ્વી તથા મોટી દીકરી હેતાંક્ષી સાથે જામનગરના માધવબાગમાં રહેવા આવ્યો હતો અને ત્યાં એક વર્ષ રહ્યો હતો. તે દરમિયાન અશોક અને જીજ્ઞેશને વાતચીત થતી હતી. અને રૂબરૂ પણ મળતાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી જીજ્ઞેશ સાથે કોઇ સંપર્ક થતો ન હતો. જેથી અશોકે જીજ્ઞેશની પત્ની પૃથ્વીને અવારનવાર જીજ્ઞેશ વિશે પૂછપરછ કરી હતી. જેમાં પૃથ્વીએ જીજ્ઞેશ ઓસ્ટ્રેલિયામાં કામ માટે ગયો છે અને ત્યાં તેની કંપનીમાં ફોન વાપરવાની મનાઇ હોવાથી સંપર્ક થતો નથી તેમ જણાવ્યું હતું. દરમ્યાન અવારનવાર જીજ્ઞેશ વિષે પૂછપરછ કરવા છતાં તેની પત્ની પૃથ્વી દ્વારા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ અશોકના પરિવારના સભ્ય ઓસ્ટ્રેલિયા જવાના હોવાથી પૃથ્વીને કહ્યું કે, મારા પરિવારના ઓસ્ટ્રેલિયા જાય છે તો જીજ્ઞેશ સાથે વાત કરીને કોઇ વસ્તુ કે સામાન મોકલવો હોય તો વાત કરવી છે, પરંતુ પૃથ્વીએ જીજ્ઞેશ સાથે વાત કરાવી ન હતી.

દરમ્યાન અશોકના પિતરાઇ દીપકભાઇએ પૃથ્વીને ફોન કરી કહ્યું હતું કે, મને જીજ્ઞેશ સાથે વાત કરાવો. પરંતુ પૃથ્વીએ જીજ્ઞેશ સાથે વાત ન કરાવતાં અશોકભાઇને શંકા જવાથી તેણે પૃથ્વીને કહ્યું કે, જીજ્ઞેશ સાથે વાત કરાવો નહીંતર મારો ભાઇ ગૂમ થયાની હું પોલીસ ફરિયાદ કરીશ. ત્યારબાદ ગત્ તા. 24 જુલાઇ 2026ના રોજ પૃથ્વીએ અશોકને ફોન કરીને મળવા જણાવ્યું હતું. તેથી પૃથ્વીને સ્વામી નારાયણ સોસાયટીમાં રહેતા અશોકના સસરાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં અશોકને મળવા માટે પૃથ્વીબેન અને નિલેશ મનસુખ કછટિયા બન્ને સાથે આવ્યા હતા. જ્યાં પૃથ્વી અને તેના પ્રેમી નિલેશને અશોકને કહ્યું કે, “તારા ભાઇ જીજ્ઞેશને અમોએ આજથી બે વર્ષ પહેલાં મારી નાખેલ છે અને તેની લાશની વિધિ પણ કરી નાખેલ છે. માટે હવે તું તારા ભાઇને શોધતો નહીં.” આમ જણાવતાં અશોક હતપ્રભ થઇ ગયો હતો અને ત્યારબાદ અશોકે તેના પરિવાર અને સગાં-સંબંધીઓને આ બાબતની જાણ કરી હતી. ત્યારબાદ અશોકે તા. 26-07-2026ના રોજ રવિવારે જામનગર શહેરના સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી. જેમાં પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન જીજ્ઞેશ માવદિયા, તેનો પ્રેમી નિલેશ મનસુખ કછટિયા તથા નિલેશનો મિત્ર બલવીર દેવીરામ વર્મા નામના ત્રણ શખ્સોએ જીજ્ઞેશને ગત્ તા. 31-05-2024ના રાત્રિના બાર વાગ્યા પહેલાં દારૂમાં સાઇનાઇડ નાખી હત્યા નિપજાવી દરેડના કોઇ કારખાનાના શેડમાં દાટી દીધો હોવાની અરજી કરી હતી.

- Advertisement -

આ અરજીના આધારે એએસપી પ્રતિભાના નેજા હેઠળ પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે ભૂમિબેન માવદિયા અને તેનો પ્રેમી નિલેશ મનસુખ કછટિયા અને બલવીર દેવીરામ વર્મા નામના ત્રણ હત્યારાઓએ જીજ્ઞેશ માવદિયાની હત્યા નિપજવવા પૂર્વઆયોજિત કાવતરું રચી ગત્ તા. 31-05-2024ના રાત્રિના સમયે દરેડ જીઆઇડીસી ફેઇઝ-2માં શિવમ્ પાર્ક શેરી નંબર 6માં પ્લોટ નંબર 12/બીમાં દારૂની પાર્ટી માટે બોલાવ્યો હતો અને ત્યાં દારૂની પાર્ટી દરમ્યાન જીજ્ઞેશના દારૂમાં સાઇડનાઇડનું ઝેર નાખી પીવડાવી દઇ હત્યા નિપજાવી કારખાનાના શેડમાં 12 ફુટ ઉંડો ખાડો ખોદી લાશને દાટી દીધી હતી અને ત્યારબાદ આ કારખાનાના શેડમાં આરસીસી વર્ક કરી નાખ્યું હતું. પોલીસ દ્વારા બન્નેની પૂછપરછમાં દ્રશ્યમ મૂવી જેવા સનસનાટીભર્યા હત્યાકાંડની એક પછી એક વિગતો ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે બુધવારે સવારે શિવમ્ પાર્કમાં આવેલા કારખાનામાં ખાડો ખોદવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી મોડીસાંજ સુધી ચાલી હતી અને ત્યારબાદ ખાડામાંથી જીજ્ઞેશ ધરમશીભાઇ માવદિયા (ઉ.વ.36) નામના પ્રજાપતિ યુવાનના કંકાલ મળી આવ્યા હતા. પોલીસે કંકાલને લેબોરેટરી પરિક્ષણ માટે મોકલી ત્રણેય હત્યારાઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

હાલારને હચમચાવી દેનાર સનસનાટીભર્યા હત્યાકાંડમાં ભૂમિ તેણીના જીજ્ઞેશ સાથેના લગ્ન પહેલાં પણ નિલેશ સાથે પ્રેમ કરતી હતી અને નિલેશ તથા જીજ્ઞેશ બન્ને મિત્રો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. ઉપરાંત જીજ્ઞેશને સંતાનમાં બે દીકરીઓ જેમાં હિતાંક્ષી (ઉ.વ.6) અને નિત્યા (ઉ.વ. 1ાા) હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે આ સમગ્ર હત્યાકાંડમાં હત્યારાઓએ પ્રતિબંધિત સાઇનાઇડ ક્યાંથી મેળવ્યુ? અને હત્યા કેવી રીતે નિપજાવી તથા હત્યામાં પૂર્વઆયોજિત કાવતરું, પુરાવાઓનો નાશ સહિત મૃતકના ભાઇ અશોકની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, આ સમગ્ર હત્યાકાંડ બાદ જો જીજ્ઞેશની હત્યા બે વર્ષ પહેલાં કરવામાં આવી હોય તો દોઢ વર્ષની પુત્રી નિત્યાના જન્મ પહેલાં હત્યા સમયે પૃથ્વી સગર્ભા હતી કે કેમ? ઉપરાંત આ સમગ્ર હત્યાકાંડમાં ત્રણ શખ્સો સિવાય અન્ય કોઇ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ? તે અંગેની તપાસ પણ હાથ ધરી હતી. પૃથ્વીએ પ્રેમાંધ બની પ્રેમીને પામવા માટે પતિનું ઠંડે કલેજે કાસળ કાઢી નાખતા જીજ્ઞેશની બન્ને માસુમ બાળકીઓ પિતા વગર નોધારી બની ગઇ છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular