Friday, July 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરની દીકરી પૃથ્વી સંઘાણીનું વતનમાં વિભાપરમાં ભવ્ય સ્વાગત - VIDEO

જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીનું વતનમાં વિભાપરમાં ભવ્ય સ્વાગત – VIDEO

‘વિક્રમ’ સ્પેસ મિશનની સફળતા બાદ ગ્રામજનોએ બેન્ડબાજા સાથે કર્યું સન્માન

ભારતના પ્રથમ ખાનગી સ્પેસ લોન્ચ વ્હીકલ ‘વિક્રમ’ મિશનમાં કંટ્રોલ સિસ્ટમ ડિઝાઇન લીડ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપનાર જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી સંઘાણી ભંડેરીનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં તેમના આગમનને લઈને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ બેન્ડબાજા, ડીજેના તાલ અને પુષ્પવર્ષા સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જ્યારે વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા તેમનું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પોતાની દીકરીએ દેશનું નામ વિશ્વસ્તરે રોશન કરતાં સમગ્ર ગામમાં ગર્વ અને આનંદની લાગણી જોવા મળી હતી. યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા અને પૃથ્વી સંઘાણીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં પૃથ્વી સંઘાણી ભાવુક બન્યાં હતાં. તેમણે જણાવ્યું કે તેઓ તો માત્ર પોતાના પરિવાર અને ગામના લોકોને મળવા માટે વતન આવ્યા હતાં, પરંતુ ગ્રામજનોએ જે પ્રેમ, સ્નેહ અને સન્માન આપ્યું તે તેમની કલ્પના બહારનું હતું. ગામના લોકોનો આ પ્રેમ જીવનભર યાદ રહેશે અને આ સન્માન તેમની જવાબદારીને વધુ વધારતું હોવાનું તેમણે જણાવ્યું.

- Advertisement -

પોતાના સ્પેસ મિશનના અનુભવો શેર કરતાં તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ સતત આ પ્રોજેક્ટ પર કાર્યરત હતાં. આ દરમિયાન અનેક પડકારો, પરીક્ષણો અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર ટીમે દિવસ-રાત મહેનત કરીને મિશનને સફળ બનાવવા માટે પ્રયાસ કર્યો હતો. જ્યારે રોકેટનું લોન્ચિંગ સફળ રહ્યું ત્યારે તે ક્ષણ તેમના જીવનની સૌથી ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ બની હતી. ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે આ ઐતિહાસિક સફળતાનો ભાગ બનવું તેમના માટે ગર્વની બાબત હોવાનું તેમણે જણાવ્યું.

- Advertisement -

દીકરીઓના શિક્ષણ અને કારકિર્દી અંગે તેમણે સમાજ અને માતા-પિતાને મહત્વપૂર્ણ સંદેશ આપતાં કહ્યું કે દરેક દીકરીમાં અસીમ ક્ષમતા રહેલી હોય છે. માતા-પિતાએ દીકરીઓ પર વિશ્વાસ રાખીને તેમને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની તક આપવી જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન મળે તો દીકરીઓ પણ વિશ્વસ્તરે દેશનું નામ રોશન કરી શકે છે.

પોતાની સફળતા પાછળ પરિવારના યોગદાનનો ઉલ્લેખ કરતાં પૃથ્વી સંઘાણીએ જણાવ્યું કે બાળપણથી જ માતા-પિતાએ તેમને દરેક પગલે પ્રોત્સાહન આપ્યું હતું. લગ્ન બાદ તેમના પતિ અને સાસરિયાં તરફથી પણ સંપૂર્ણ સહકાર મળતાં તેઓ પોતાના સપનાને સાકાર કરી શક્યા. પરિવારના આ અતૂટ વિશ્વાસ અને સહયોગને તેમણે પોતાની સફળતાનો સૌથી મોટો આધાર ગણાવ્યો.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને આગેવાનોએ પૃથ્વી સંઘાણીને સન્માનિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ગર્વની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. જામનગરની આ દીકરીની સિદ્ધિ આજે માત્ર વિભાપર ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular