Monday, July 13, 2026
Homeરાજ્યજામનગરદરેડ ઔદ્યોગિક વસાહતમાં વીજધાંધિયાથી ઉદ્યોગકારો ત્રાહિમામ - VIDEO

દરેડ ઔદ્યોગિક વસાહતમાં વીજધાંધિયાથી ઉદ્યોગકારો ત્રાહિમામ – VIDEO

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં વીજ ધાંધીયાથી ઉદ્યોગકારો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગકારોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યા બાદ આજે રેલી યોજી હતી. અને આ રેલી પીજીવીસીએલ કચેરીએ પહોંચી હતી. જ્યાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

બ્રાસનગરી જામનગરના જીવાદોરીસમાન દરેડ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વીજતંત્રની લાલિયાવાડી અને અનિયમિત પાવર સપ્લાયથી ત્રસ્ત થયેલા સ્થાનિક ઉદ્યોગકારોના ધીરજનો અંત આવતા, તેઓએ એકજૂથ થઈને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓ સમક્ષ આકરી રજૂઆત કરી હતી. આ મામલે પ્લાજેશ કંજારીયા અને શોભરાજભાઈની આગેવાનીમાં આક્રોશ ઠાલવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરીમાં સદંતર વેઠ ઉતારવામાં આવી રહી છે. અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો, ખામીયુક્ત ટીસી અને લુઝ કનેક્શન જેવી વ્યાપક સમસ્યાઓ હોવા છતાં, તંત્ર દ્વારા જૂના સંસાધનો બદલવાની કે નવેસરથી વીજભાર (લોડ) માપીને કાયમી ધોરણે નક્કર ઉકેલ લાવવાની કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે, પરિસ્થિતિ એટલી વણસી છે કે દિવસમાં નિયમિતપણે એકથી બે વખત પાવર ગુલ થઈ જવાની નોબત આવી છે.

- Advertisement -

આ અઘોષિત અને વારંવારના વીજ કાપના કારણે જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ પાર્ટ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન નાના-મોટા કારખાનાઓને આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. એક તરફ વીજળીના અભાવે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના કારણે કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કારીગરોને કામ વગર બેઠા પગાર ચૂકવવાનો વારો આવે છે, તો બીજી તરફ ગ્રાહકોના સમયસરના ઓર્ડર પૂર્ણ ન થતા વ્યાપારી શાખને પણ નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, મશીનોમાં અચાનક પાવર જતો રહેવાથી પ્રોસેસિંગમાં રહેલા કાચા માલ અને અર્ધતૈયાર પ્રોડક્ટ્સમાં પણ નુકસાની વેઠવી પડે છે. તંત્રની આ નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે ઉદ્યોગકારોને પડતા બેવડા મારથી કંટાળીને જ અંતે તમામ કારખાનેદારોએ આકરા પાણીએ થઈ વીજ કચેરીએ ધામા નાખ્યા હતા અને માંગ કરી છે કે, આ ઔદ્યોગિક વિસ્તારની વીજ સમસ્યાનું સત્વરે કાયમી નિરાકરણ લાવવામાં આવે.

- Advertisement -

દરેડ ઔદ્યોગીક વસાહતોના ઉદ્યોગકારોના એસોસીએશન દ્વારા વારંવાર થતાં વિજ ધાંધીયાથી કંટાળી આજરોજ રેલી યોજી હતી. અને શિવમ ફીડર અને સિઘ્ધનાથ ફીડરની લાઇનોના વાયર ઢીલા અને નબળી પરિસ્થિતિમાં હોવાને કારણે શોર્ટસર્કીટના બનાવો બનતા હોય આ અંગે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular