દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામના વાડી વિસ્તારમાં જૂની અદાવત તેમજ મનદુ:ખના કારણે કૌટુંબિક ભાઈએ જ યુવાન પર કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાયો છે. ભેંસો ચરાવવા બાબતે રાખેલા અગાઉના મનદુ:ખના કારણે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.
આ બનાવની મળતી વિગત પ્રમાણે કલ્યાણપુર તાલુકાના ગોજીનેશ ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ભીખાભાઇ લખમણભાઇ વરૂ (ઉ.વ. 32) ગત્ તા. 09ના સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતાની વાડીએથી કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોજીનેશ ગામના વાડી વિસ્તારમાં સુરાપુરા દાદાના મંદિર પાસે રસ્તામાં પહોંચતા તેમના જ કૌટુંબિક ભાઈ રામદેભાઇ કરણાભાઇ વરૂ ત્યાં પોતાની ભેંસો ચરાવી રહ્યો હતો. અગાઉનું મનદુ:ખ રાખીને રામદેએ ભીખાભાઇને રસ્તામાં જ આંતરીને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરતાઆ મામલો વધુ ઉગ્ર બનતા આરોપી રામદેએ હાથમાં રહેલી કુહાડી વડે ભીખાભાઇ પર અચાનક હુમલો કરી દીધો હતો. આરોપીએ કુહાડીનો ઘા ઝીંકતા ભીખાભાઇને જમણા હાથની કોણી પાસે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. આરોપીએ ખંભાના ભાગે પણ કુહાડીથી મૂંઢ માર મારીને વધુ ઈજાઓ કરી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ હુમલાનો ભોગ બનેલા ઈજાગ્રસ્ત ભીખાભાઇ વરૂએ ફરિયાદ નોંધાવતા એએસઆઇ અંજલીબેન મકવાણા સહિતના સ્ટાફએ શખ્સ વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


