જામનગર શહેરમાં ટાઉન હોલ પાસેથી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે 19 ગ્રામ કોકેઇન અને મેફેડ્રોન 123 ગ્રામ મળી કુલ રૂા. 21.95 લાખની કિંમતના 142 ગ્રામ નશીલા પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
સંવેદનશીલ દરિયાકિનારો ધરાવતા હાલારમાં સમયાંતરે નશીલા પદાર્થના વેચાણ સ્થળે પોલીસ દરોડો પાડીને યુવાનોની જિંદગી બરબાદ કરતાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લે છે. પરંતુ સંવેદનશીલ દરિયાકિનારાના કારણે નશીલા પદાર્થનો અનેકગણો જથ્થો વેચાઇ પણ જતો હોય છે. ત્યારે જામનગર શહેરમાં નશીલા પદાર્થનો માતબર જથ્થો વેચાણ માટે આવ્યો હોવાની એસઓજીના પો.કો. મયૂરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વીરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એલ. એમ. ઝેેર, એ. વી. ખેર તથા સ્ટાફએ રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના અરણાઇ ગામનો વતની અને હાલ જામનગરમાં સજુબા સ્કૂલ પાસે હનુમાનજીના મંદિર વાળી ગલીમાં રહેતો નરસીંહરામ કૃપારામ લુણા નામનો શખ્સ નશીલા પદાર્થનો જથ્થો વેચવા ટાઉન હોલ પાસે આવેલી કોટક મહિન્દ્રા બેન્કવાળી શેરીમાં માદક પદાર્થ વેચાણઅર્થે આવવાનો હતો.
View this post on Instagram
તેવી બાતમીના આધારે એસઓજીની ટીમએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો શખ્સ પસાર થતાં એસઓજીએ નરસીંહરામ કૃપારામ લુણા નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 9,50,000નો 19 ગ્રામ કોકેઇન અને રૂા. 12,30,000ની કિંમતનો મેફેડ્રોન, એમ્ફેટામાઇન, મેથાએમ્ફેટામાઇન નામનો નશાકારક પાઉડરનો 123 ગ્રામ જથ્થો મળી આવતાં એસઓજી ચોંકી ઉઠી હતી. આટલો માતબર જથ્થો મળી આવતાં એસઓજીની ટીમએ કોકેઇન, એમડીએમએ પાઉડર, રૂા. 15 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, રૂા. 500ની કિંમતનો વજનકાટો મળી કુલ રૂા. 21,95,500ના મુદામાલ સાથે નરસિંહરામને દબોચી લઇ સિટી ‘બી’ ડિવિઝનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી રિમાન્ડ મેળવવા તથા આટલો જથ્થો કયાંથી ખરીદ્યો? તથા આ જથ્થામાં કોની-કોની સંડોવણી છે તે અંગેની તપાસ હાથ ધરી હતી.


