લાલપુર તાલુકાના પડાણાથી લખિયા જવાના માર્ગ પર દેશી દારૂના સ્થળે રેઇડ કરવા ગયેલી એલસીબીની ટીમ ઉપર મહિલા બૂટલેગર સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરી પોલીસના વાહનમાં નુકસાન પહોંચાડયાના બનાવમાં મેઘપર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામથી લખિયા ગામ જવાના રસ્તે આવેલા ખોડિયારના ધૂના પાસે, ખુલ્લા પટમાં દેશી દારૂનો જથ્થો ઝડપી લેવા એલસીબીની ટીમે રેઇડ કરી હતી. તે દરમ્યાન દેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લેતાં આ બાબતે બૂટલેગર ડાઇબેન રામાભાઇ સોરિયા, મેહુલસિંહ ઉર્ફે મુન્ના મનુભા જાડેજા, દશરથસિંહ તખુભા જાડેજા નામના ત્રણ શખ્સોએ હે.કો. ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજા તથા સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી દેશી દારૂનો જથ્થો છોડી મૂકવા તથા પોલીસ કેસ નહીં કરવા જીજે11 ડીબી 0999 નંબરની મેહુલસિંહના કબ્જાવાળી ફોર્ચ્યુનર કાર દ્વારા પોલીસને ખાનગી કારના પાછળના ભાગમાં ફોર્ચ્યુનર કાર વડે ભટકાડી નુકસાન પહોંચાડયું હતું. તેમજ પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. રેઇડ કરવા ગયેલા એલસીબીના પોલીસકર્મીઓ ઉપર હુમલો અને ફરજમાં રૂકાવટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
દરમ્યાન પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફએ એલસીબીના હે.કો. ક્રિપાલસિંહ જાડેજાની ફરિયાદના આધારે મહિલા બૂટલેગર ડાઇબેન સોરિયા, મેહુલસિંહ જાડેજા અને દશરથસિંહ જાડેજા નામના ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


