કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામના પાટિયા પાસે આવેલી કંપનીમાં રહેતી પરિણીતાને મોબાઇલ ફોનમાં વાત કરવાની પતિએ ના પાડતા આ બાબતનું લાગી આવતાં પત્નીએ ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ છત્તીસગઢના ગુરદાસપુર જિલ્લાના મસ્તુુરી તાલુકાના જેરામનગર ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના પાટિયા પાસે આવેલી દ્વારકાધીશ ફીનટેક્સ કંપનીમાં નોકરી કરતાં સાગર તીરથભાઇ ટંડન (ઉ.વ.23) નામના યુવાનની પત્ની અંજુબેન સાગર ટંડન (ઉ.વ.20) નામની યુવતી સુધીર સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરતી હોય જે બાબતની જાણ થતાં પતિએ પત્નીને સુધીર સાથે મોબાઇલમાં વાત કરવાની ના પાડી હતી. જે બાબતનું મનમાં લાગી આવતાં અંજુબેને રવિવારે બપોરના સમયે કંપનીની કામદાર કોલોનીમાં આવેલી તેમની ઓરડીમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઇ સી. બી. રાંકજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.


