જામનગર શહેરના પવનચકકી વિસ્તારમાં પેટ્રોલ પૂરાવી સ્કૂલે જતાં વિદ્યાર્થીના એક્સેસને પૂરપાટ આવતી અર્બેનિયાએ પાછળથી ઠોકર મારતા ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નિપજયાના બનાવમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ જામનગર શહેરના ખોજા નાકા પાસેના વિસ્તારમાં રહેતો અલાઉદીન હારૂનભાઇ ઓડિયા (ઉ.વ.17) નામનો તરૂણ વિદ્યાર્થી આજે બપોરના સમયે તેના એક્સેસ મોટરસાયકલમાં પેટ્રોલ પુરાવીને સ્કૂલે જતો હતો. દરમ્યાન પવનચક્કી વિસ્તારમાં પાછળથી પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી અર્બેનિયા કારના ચાલકે આગળ જતાં વિદ્યાર્થીના એક્સેસને જોરદાર ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત તરૂણને સારવારઅર્થે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં વિદ્યાર્થીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. અકસ્માતનો બનાવ બનતાં લોકો એકઠાં થઇ ગયા હતા. ત્યારબાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ પરિવારજનો દ્વારા મૃતકને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી.
View this post on Instagram


