Saturday, October 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા જામનગર યુથ લીગ સીઝન-1’નું આયોજન - VIDEO

જામનગરમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા જામનગર યુથ લીગ સીઝન-1’નું આયોજન – VIDEO

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેદાનમાં અંડર-15 ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા : હેનાન ફૂટબોલ ક્લબ દ્વારા છ ટીમો સાથે ટુર્નામેન્ટનું આયોજન, 5 નવેમ્બરે સેમિફાઇનલ અને 6 નવેમ્બરે ફાઇનલ રમાશે

જામનગર શહેરમાં ફૂટબોલની રમતને વધુ પ્રોત્સાહન આપવા, ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા અને બાળકોમાં રમત પ્રત્યે રસ વધારવાના હેતુથી હેનાન ફૂટબોલ ક્લબ દ્વારા ‘જામનગર યુથ લીગ સીઝન-1’ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેદાનમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં અંડર-15 વયજૂથના ખેલાડીઓ પોતાની રમતનું કૌશલ્ય દર્શાવી રહ્યા છે.

- Advertisement -

આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો અને છ ઓનર્સ જોડાયા છે. 15 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ લીગમાં શુક્રવાર અને શનિવારના રોજ મેચો રમાડવામાં આવે છે. અત્યાર સુધીમાં બે સપ્તાહના મેચો પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે આગામી તબક્કામાં વધુ ત્રણ સપ્તાહના મેચો રમાડવાનું આયોજન છે. લીગના મુકાબલાઓ બાદ 5 નવેમ્બરે સેમિફાઇનલ અને 6 નવેમ્બરે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે ટુર્નામેન્ટના અંતિમ તબક્કામાં ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા જોવા મળશે.

- Advertisement -

‘જામનગર યુથ લીગ સીઝન-1’નું મુખ્ય આકર્ષણ અંડર-15 બોયઝ ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલું સ્પર્ધાત્મક માળખું છે. જેમા દરેક ટીમ આ 6 ખૈલાડીઓએ ઉત્સાહભેર જોડાયા છે. ટુર્નામેન્ટમાં 20-5-20 મિનિટના ફોર્મેટ મુજબ મેચો રમાડવામાં આવે છે. દરેક ટીમને પાંચ મેચ રમવાની તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને માત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો જ નહીં, પરંતુ નિયમિત મેચો દ્વારા પોતાની રમત સુધારવાનો અનુભવ પણ મળી શકે.

નાની ઉંમરે ફૂટબોલની રમતમાં રસ ધરાવતા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને સ્પર્ધાત્મક વાતાવરણ મળે તો તેઓ ભવિષ્યમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા દર્શાવી શકે છે. આ જ દિશામાં સ્થાનિક સ્તરે ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની લીગનું આયોજન મહત્વપૂર્ણ બની રહે છે. હેનાન ફૂટબોલ ક્લબ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ફૂટબોલ કિટ, બેગ અને પાણીની બોટલ જેવી ઉપયોગી વસ્તુઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પહેલથી બાળકોમાં રમત પ્રત્યે ઉત્સાહ વધે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આજના સમયમાં અભ્યાસની સાથે રમતગમત પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ફૂટબોલ જેવી ટીમ ગેમથી બાળકોમાં શિસ્ત, ટીમવર્ક, રમતદિલી, સમયપાલન અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસે છે. જામનગર યુથ લીગ દ્વારા બાળકોને આવી બાબતોનો વ્યવહારુ અનુભવ મળે તેવો હેતુ પણ આ આયોજન પાછળ રહેલો છે. ટુર્નામેન્ટના આયોજક જોસફ ઝેવિયરના માર્ગદર્શન હેઠળ હેનાન ફૂટબોલ ક્લબ દ્વારા જામનગરમાં ફૂટબોલની રમતને વધુ લોકપ્રિય બનાવવા અને નવી પ્રતિભાઓને આગળ લાવવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે. સ્થાનિક ખેલાડીઓને નિયમિત મેચો રમવાની તક મળે, તેમની રમતનું મૂલ્યાંકન થાય અને તેઓ ભવિષ્યમાં વધુ મોટી સ્પર્ધાઓ માટે તૈયાર થઈ શકે તેવા પ્રયાસો આ લીગના માધ્યમથી થઈ રહ્યા છે.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મેદાનમાં યોજાતી આ ટુર્નામેન્ટ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા દર્શાવવાનું મંચ બની રહી છે. છ ટીમોની ભાગીદારી સાથે શરૂ થયેલી પ્રથમ સીઝનના આગામી મુકાબલાઓ અને ખાસ કરીને 5 નવેમ્બરની સેમિફાઇનલ તથા 6 નવેમ્બરની ફાઇનલને લઈને ખેલાડીઓ અને ફૂટબોલપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળશે. ‘જામનગર યુથ લીગ સીઝન-1’ના મીડિયા પાર્ટનર તરીકે ‘ખબર ગુજરાત’ જોડાયું છે. જામનગરમાં ફૂટબોલની રમતને નવી દિશા આપવા અને યુવા ખેલાડીઓને આગળ વધવાની તક પૂરી પાડવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ ભવિષ્યમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular