Wednesday, June 24, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં જન્મના દાખલા અને આધાર સુધારાની કામગીરીથી અરજદારો પરેશાન - VIDEO

જામનગર મહાનગરપાલિકામાં જન્મના દાખલા અને આધાર સુધારાની કામગીરીથી અરજદારો પરેશાન – VIDEO

CRS સર્ટિફિકેટ મેળવવા લાંબી કતારો, મર્યાદિત સ્ટાફ અને ટેકનિકલ ખામીઓથી વધતી મુશ્કેલીઓ

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં આધાર કાર્ડમાં સુધારા-વધારા માટે જરૂરી જન્મના દાખલા અને CRS (Civil Registration System) સર્ટિફિકેટ મેળવવા મોટી સંખ્યામાં અરજદારો પહોંચી રહ્યા છે. જેના કારણે લોકો લાંબી કતારોમાં ઊભા રહેવા અને સરકારી કચેરીના વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

- Advertisement -

સ્થાનિક અરજદાર ફરીયાદ છે કે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પોસ્ટ ઓફિસ તરફથી જન્મનો દાખલો લાવવા જણાવાયું હતું. જરૂરી ફી ભર્યા બાદ પણ અનેક વખત કચેરીએ જવું પડ્યું હોવા છતાં સમયસર કામગીરી થઈ નથી, જેના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

હાલમાં આધાર કાર્ડ સુધારાની પ્રક્રિયામાં જન્મના દાખલાનું CRS સર્ટિફિકેટ ફરજિયાત બનતા એકસાથે મોટી સંખ્યામાં લોકો પોતાના તથા પરિવારજનોના જન્મના દાખલામાં સુધારા અને CRS રૂપાંતરણ માટે મહાનગરપાલિકામાં પહોંચી રહ્યા છે. પરિણામે લાંબી કતારો સર્જાઈ રહી છે અને લોકોને કામધંધા છોડીને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ અંગે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. હરેશ ગોરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા નવા CRS પોર્ટલના કારણે ખાસ કરીને વર્ષ 2020 અગાઉના જન્મના દાખલાઓને ડિજિટલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. ટેકનિકલ અને વહીવટી કારણોસર કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. હાલ વિભાગ પાસે CRS સબ-રજિસ્ટ્રારનું માત્ર એક જ આઈડી ઉપલબ્ધ છે. આ એક જ આઈડી દ્વારા નવી નોંધણી, હોસ્પિટલોમાંથી આવતા જન્મ-મરણના રિપોર્ટનું મંજૂરી કામ તેમજ જૂના દાખલાઓનું રૂપાંતરણ સહિતની કામગીરી કરવામાં આવે છે, જેના કારણે કામનું ભારણ વધી ગયું છે.

- Advertisement -

તેમણે જણાવ્યું કે નાગરિકોને ઝડપથી સેવા મળી રહે તે માટે સવારે 7 વાગ્યાથી વહેલી શિફ્ટમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત વધતા ભારણને ધ્યાનમાં રાખી ગાંધીનગર ખાતે વધુ બે આઈડી તથા વધારાના કર્મચારીઓ ફાળવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

અરજદારોનું કહેવું છે કે મર્યાદિત સ્ટાફ, ઇન્ટરનેટની સમસ્યાઓ અને ટેકનિકલ ખામીઓના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવે ત્યારે તે મુજબ પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે જેથી નાગરિકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે.

મહાનગરપાલિકા દ્વારા વધારાના કર્મચારીઓ અને સુવિધાઓ માટે મંજૂરી માંગવામાં આવી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે તો આગામી સમયમાં જન્મના દાખલા અને CRS સંબંધિત કામગીરી વધુ ઝડપી બની શકશે અને નાગરિકોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular