જામનગર શહેરમાં ટાઉનહોલ પાસે આવેલી શિપિંગ કંપની દ્વારા ભાડે આપવામાં આવેલા બાર્જ ટગ અને સ્ટીવ ડોરીંગ સર્વિસના ગાંધીધામની કંપની દ્વારા રૂપિયા 20.56 કરોડ નહીં ચૂકવી જામનગરની કંપની સાથે છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

છેતરપિંડીના બનાવની મળતી વિગત મુજબ જામનગરના ઉદ્યોગપતિ અને ટાઉનહોલ પાસે આવેલા શ્રીજી હાઉસમાં શ્રીજી શિપિંગ કંપનીના સંચાલક જિતેન્દ્ર હરિદાસ લાલ દ્વારા ગાંધીધામમાં લીલાશાહ સર્કલ, પ્લોટ નંબર 640, 12/સીમાં આવેલી મહેશ્વરી હેન્ડલીંગ સી. પ્રા. લિ. નામની કંપનીના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરીની કંપનીને જામનગરની શ્રીજી શિપીંગ કંપની દ્વારા બાર્જ ટગ ભાડે આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્ટીવી ડોરીંગ જેવી સર્વિસ પણ આપવામાં આવી હતી. આ સર્વિસના ચાર્જ પેટે રૂપિયા 2,56,72,440ની રકમ ચૂકવવાની થતી હતી. તેમજ શ્રીજી મરીન સર્વિસિઝની એલએલપીની સર્વિસ આપવામાં આવી હતી. તેના ચાર્જ પેટે રૂા. 13,73,17,687ની માતબર રકમ શ્રીજી શિપિંગ કંપનીને ચૂકવવાની બાકી રહેતી હતી. ઉપરાંત જિતુ લાલની નરોત્તમકા કોમોડિટીઝ પ્રા. લિ.માંથી મહેશ્વરી એજન્સીએ લીધેલી લોન અને વ્યાજ સહિત રૂા. 4,26,95,257ની રકમ શ્રીજી શિપિંગને ચૂકવી ન હતી.
આમ, ગાંધીધામની મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા. લિ.ના ડાયરેક્ટર દ્વારા શ્રીજી શિપિંગ અને તેની અન્ય કંપનીઓને ચૂકવવાની થતી રૂા. 20,56,85,384ની માતબર રકમ ગાંધીધામની કંપની દ્વારા શ્રીજી શિપિંગ કંપનીને વર્ષ 2019 થી આજ દિવસ સુધી ચૂકવવામાં આવી ન હતી. અવારનવાર માતબર રકમની ઉઘરાણી કરવા છતાં કંપની દ્વારા પેમેન્ટ ચૂકવવામાં ન આવતાં આખરે શ્રીજી શિપિંગના જિતેન્દ્ર હરિદાસ લાલ દ્વારા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મહેશ્ર્વરી હેન્ડલીંગ એજન્સી પ્રા. લિ.ના ડાયરેક્ટર ચંદનકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


