ખંભાળીયા-દ્વારકા હાઈવે પર નંદાણા ગામ નજીક ગત તા. 18મીની રાત્રે સર્જાયેલા ગમખ્વાર ટ્રક અકસ્માતના બનાવમાં એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે. નાયરા પેટ્રોલપંપ પાસે પલટી મારી ગયેલી ટ્રકના ચાલક યુવાનને ચાલુ ડ્રાઈવિંગે અચાનક જ હાર્ટ એટેક આવતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પુલની બાજુમાં પલટી ખાઇ જતાં તેમનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં નાલીવાળા ટાંકાની સામે રહેતા અને ટ્રક ડ્રાઈવિંગ કરતા ભરતભાઇ જીવાભાઇ કણઝારીયા (ઉ.વ. 38) નામનો યુવાન ગત તા. 18-06-2026ના રોજ રાત્રિના આશરે દશેક વાગ્યે ટ્રક નં. GJ-37-T-6730 લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કલ્યાણપુર પોલીસ સ્ટેશનથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામથી થોડે આગળ નાયરા પેટ્રોલપંપની સામે હાઈવે રોડ ઉપર પુલની બાજુમાં આ અકસ્માત સર્જાયો હતો.
પ્રાથમિક તબક્કે અકસ્માત ગફલતભરી રીતે ડ્રાઈવિંગના કારણે થયો હોવાનું જણાતું હતું. પરંતુ વિગતવાર તપાસમાં સામે આવ્યું છે કે, ચાલક ભરતભાઇ કણઝારિયાને ચાલુ ટ્રકે અચાનક જ હાર્ટ એટેકનો જોરદાર હુમલો આવ્યો હતો. હુમલો આવવાના કારણે તેઓ ક્ષણભર માટે બેશુદ્ધ થઇ જતાં ટ્રક પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દેતા ટ્રક પુલની બાજુમાં ગબડી પડીને પલટી ખાઇ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં માથાના તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ભરતભાઇનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઇ દ્વારા જાણ કરાતાં કલ્યાણપુર પીએસઆઇ કે. પી. ઝાલા તથા એ.એસ.આઈ. સાંગણભાઇ એમ. ઓડેદરા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહન કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાર્ટ એટેકના કારણે સર્જાયેલા આ અકસ્માતથી કણઝારીયા પરિવાર સહિત ભાટીયા પંથકના સતવારા સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.


