જામ કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના તળાવમાંથી ટ્રેક્ટરમાં માટી-મોરમ ભરતી વખતે અચાનક માટીની મોટી ભેખડ ધસી પડતાં ટ્રેક્ટર સહિત 30 વર્ષનો યુવાનનું દબાઇ જવાથી ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવની વિગત કલ્યાણપુરના ગાધવી ગામના રાતુ તળાવમાં શનિવારે સવારે 10:30 વાગ્યે ગાધવી ગામના વાડી વિસ્તારમાં રહેતો અને ખેતી તેમજ શ્રમકાર્ય સાથે સંકળાયેલો યુવાન રામભાઇ લાખણશીભાઇ કારાવદરા (ઉં.વ. 30) પોતાના ટ્રેક્ટર-ટ્રોલી લઈને રાતુ તળાવમાં માટી-મોરમ ભરવા માટે ગયો હતો.
રામભાઈ જ્યારે તળાવના કિનારે માટી ભરી રહ્યો હતો, ત્યારે અચાનક જ ઉપરથી માટીની એક વિશાળ અને વજનદાર ભેખડ ધડાકાભેર ટ્રેક્ટર ઉપર ધસી પડી હતી. આ ઓચિંતા સર્જાયેલા અકસ્માતમાં રામભાઈ ટ્રેક્ટર સહિત ભેખડની નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી અર્થે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ માટી હટાવી તેને બહાર કાઢ્યો હતો, પરંતુ કમનસીબે ભેખડ નીચે દબાઈ જવાથી રામભાઈનું ઘટનાસ્થળે જ શ્ર્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ ભરતભાઇ ભિમાભાઇ કારાવદરાએ જાણ કરતાં એએસઆઇ વજશીભાઇ પોસ્તરિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી મેર જ્ઞાતિના પરિવારમાં ભારે આક્રંદ અને ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.


