Homeરાજ્યહાલારદ્વારકાના જગતમંદિરમાં આજે દેવદિવાળી પર્વની ઉજવણી

દ્વારકાના જગતમંદિરમાં આજે દેવદિવાળી પર્વની ઉજવણી

દ્વારકા ખાતે કારતક સુદ પૂર્ણિમાના પવિત્ર અવસરે તા. 24નાભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં પરંપરાગત રીતે દેવદિવાળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દેવોની દિવાળી તરીકે ઓળખાતા આ પર્વ નિમિત્તે જગતમંદિરમાં વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

દ્વારકાધીશ મંદિરના પૂજારી પ્રણવભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર દેવદિવાળીના પાવન દિવસે કાળિયા ઠાકોરને વિશેષ શૃંગાર ધારણ કરાવવામાં આવશે. બપોરના સમયે રાજભોગમાં શ્રીજીને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવશે. જ્યારે સાંજના સંધ્યા સમય બાદ નિજમંદિર અને નિજસભાખંડને આકર્ષક રંગોળી તથા દીપમાળાથી શણગારવામાં આવશે. શારદાપીઠ જગતમંદિર હેઠળ સંચાલિત વિવિધ મંદિરોની સેવા-પૂજાની જવાબદારી સંભાળતા વિજયભાઈ અને આનંદભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કારતક માસમાં દીપદાન અને દીપપૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. આ પરંપરાને અનુસરીને જગતમંદિર પરિસરમાં આવેલા રાણીવાસ ખાતે લક્ષ્મીજીના મંદિરની સામે વિવિધ આકર્ષક રંગોળીઓ તૈયાર કરવામાં આવશે. આ રંગોળીઓમાં 11 હજાર દીવડાઓ પ્રગટાવી સમગ્ર પરિસરને દીપમાળાથી ઝળહળતું કરવામાં આવશે અને ભક્તિમય માહોલમાં દેવદિવાળીની ઉજવણી કરાશે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર કારતક પૂર્ણિમાના દિવસે દીપ પ્રાગટ્ય અને દીપદાન કરવાનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે પરમાત્માનું સ્મરણ કરીને 720 દીવડાઓ પ્રગટાવવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે તેવી ધાર્મિક માન્યતા છે. દીપદાન અને દીવડાઓનાં દર્શનથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય તથા કલ્યાણની પ્રાપ્તિ થાય છે તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે.

- Advertisement -

દેવદિવાળીના પર્વ સાથે જ દીપાવલીના ધાર્મિક ઉત્સવોની પૂર્ણાહુતિ થાય છે અને ત્યારબાદ હિન્દુ પરંપરા મુજબ લગ્નસરાની મોસમનો પ્રારંભ થાય છે. શુભ મુહૂર્તોમાં લગ્નોત્સુક પરિવારોમાં મંગળ પ્રસંગોની તૈયારીઓ શરૂ થાય છે, તોરણ બંધાય છે, મંગળગીતો ગુંજે છે અને ઢોલ-નગારાના નાદ વચ્ચે યુવક-યુવતીઓ લગ્નજીવનમાં પ્રવેશ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular