Friday, May 29, 2026
Homeરાજ્યહાલારસિમેન્ટનું ભૂંગળુ તૂટવાના મામલે યુવાન ઉપર હુમલો

સિમેન્ટનું ભૂંગળુ તૂટવાના મામલે યુવાન ઉપર હુમલો

લાલપુર ગામમાં રોડની સાઇડો બૂરવાનું કામ ચાલતું હતું ત્યારે પાણીનું સિમેન્ટનું ભૂંગળુુ તૂટી જવાની બાબતે ત્રણ શખ્સો દ્વારા કોન્ટ્રાક્ટર સાથે ગાળાગાળી કરી લાકડાના ધોકા અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ખાયડી ગામના વાડી વિસ્તારમાં રહેતાં દેવશીભાઇ જેઠાભાઇ ભાદરકા (ઉ.વ.36) યુવાનના જેસબી દ્વારા લાલપુર ગામમાં શહીદ ગાર્ડની આગળ જૂના રોડની સાઇડો પૂરવાની માટીકામ ચાલતું હતું. ત્યાં પાણીનું સિમેન્ટનું ભૂંગળુ તૂટી ગયું હોય જે બાબતે બુધવારે સવારના સમયે કિશન ગાગિયા, નયન ગાગિયા, નિલેશ ગાગિયા (રહે. ગોદાવરી ગામ, તા. લાલપુર) નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી દેવશીભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી, લાકડાંના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી, “જો અમારી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો, પતાવી દઇશું.” તેવી ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એસ. પી. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ હુમલા તથા ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular